કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક પ્રસંગે તેમના હૃદયની નજીકના વિષયો જેમ કે સાંસ્કૃતિક વિવિધતા અને સમુદાય; કોમનવેલ્થના વૈશ્વિક સંબંધો, સસ્ટેઇનીબીલીટી અને બાયોડાયવર્સીટી (જૈવવિવિધતા) જેવા જાહેર સેવાને સમર્પિત કરેલા કેટલાક કારણોને દર્શાવતી ચાર પોસ્ટલ સ્ટેમ્પનું રોયલ મેલ દ્વારા અનાવરણ કરાયું છે.
‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ થીમ આધારિત સ્ટેમ્પ મલ્ટીફેઇથ સમુદાય અને સમકાલીન બ્રિટિશ સમાજની સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરાઇ છે. આ સ્ટેમ્પમાં યહૂદી, ઇસ્લામિક, ખ્રિસ્તી, શીખ, હિંદુ અને બૌદ્ધ ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા લોકો તેમજ લંડન સ્થિત નીસડન સ્વામીનારાયણ મંદિર સહિત વિવિધ ધર્મોના સ્થાનકો દર્શાવવામાં આવ્યા છે. બીજી સ્ટેમ્પમાં કલ્પના કરાયેલી કોમનવેલ્થ મીટિંગ, કોમનવેલ્થ ગેમ્સનું પ્રતિનિધિત્વ, કોમનવેલ્થ દેશોના કેટલાક ધ્વજ, વેપાર અને વાણિજ્ય અને કોમનવેલ્થ વોર ગ્રેવ્સના દ્રશ્યો બતાવાયા છે.
ત્રીજી સ્ટેમ્પમાં રાજ્યાભિષેકની ક્ષણ દર્શાવાઇ છે, જેમાં સેન્ટ એડવર્ડનો તાજ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી દ્વારા કિંગ ચાર્લ્સને પહેરાવવામાં આવે છે. જ્યારે ચોથા સ્ટેમ્પમાં સસ્ટેનેબિલિટી અને જૈવવિવિધતા દર્શીવવા ગ્રામિણ ખેતી, મધમાખી ઉછેરનું દ્રશ્ય બતાવાયું છે.
‘ધ કિંગ્સ સ્ટેમ્પ’ પ્રદર્શનના ભાગરૂપે ગયા શુક્રવારથી લંડનના પોસ્ટલ મ્યુઝિયમમાં જોવા માટે ઉપલબ્ધ છે. 1937માં રાજા જ્યોર્જ VI અને 1953માં રાણી એલિઝાબેથ II બાદ ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત રોયલ મેલે રાજ્યાભિષેકને ચિહ્નિત કરવા માટે સ્ટેમ્પ જારી કર્યા છે.