કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાના રાજ્યાભિષેકમાં મહેમાનો તરીકે લગભગ 2,000 લોકોને આમંત્રણો મોકલવામાં આવ્યા છે. જેમાં ચાર્લ્સ અને કેમિલાના પરિવારના ઘણા સભ્યો હાજરી આપવાના છે.
કોરોનેશનમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેથરિન, રાજાના બે ભાઈ-બહેનો પ્રિન્સેસ રોયલ એની અને ડ્યુક ઑફ એડિનબરા એડવર્ડ તથા કિંગના બીજા પુત્ર પ્રિન્સ હેરી હાજર રહેશે. જો કે તેની પત્ની મેઘન હાજર રહેનાર નથી. કેમ કે રાજ્યાભિષેકના દિવસે જ તે દંપતીના પુત્ર પ્રિન્સ આર્ચીનો ચોથા જન્મદિવસ છે.
વિન્ડસર કાસલ ખાતે ઇસ્ટર સર્વિસમાં ડ્યુક ઓફ યોર્ક હાજર રહેશે. સંભવ છે કે તેમની પુત્રીઓ પ્રિન્સેસ બીટ્રાઇસ અને પ્રિન્સેસ યુજીની તથા પ્રિન્સેસ એનીની પુત્રી ઝારા ટિંડલ અને તેના પતિ માઇક ટિંડલ સાથે આવશે.
પ્રિન્સ વિલિયમ અને કેથરીનના પુત્ર પ્રિન્સ જ્યોર્જ, ક્વીન કોન્સોર્ટ કેમિલાના અગાઉના પતિથી થયેલા ત્રણ પૌત્રો, ગુસ અને લુઈસ લોપેસ, ફ્રેડી પાર્કર બાઉલ્સ અને તેના ગ્રેટ નેફ્યુ આર્થર ઈલિયટ હાજર રહેશે અને વેસ્ટમિન્સ્ટર એબીમાં સરઘસનો ભાગ બનશે. રાણી કેમિલાની બહેન એનાબેલ ઇલિયટ અને નજીકની મિત્ર લેડી લેન્સડાઉન પણ લેડીઝ ઇન એટેન્ડન્સ તરીકે જોડાશે.
વડાપ્રધાન ઋષિ સુનક, કેબિનેટ મંત્રીઓ અને હાઉસ ઓફ લોર્ડ્સના સાથીઓ, લિઝ ટ્રસ, ટોની બ્લેર તેમજ સ્કોટલેન્ડના નવા ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફ હાજર રહેશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, યુએસ પ્રમુખ જો બાઇડેનના પત્ની ફર્સ્ટ લેડી જીલ બાઇડેન, પોલેન્ડના પ્રમુખ એન્ડ્રેઝ ડુડા, ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ હાજર રહેશે.
જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને ક્રાઉન પ્રિન્સેસ કીકો, મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ અને પ્રિન્સેસ ચાર્લીન, સ્પેનના રાજા ફેલિપ અને રાણી લેટિઝિયા, અને સ્વીડનના રાજા કાર્લ XVI ગુસ્તાફ તથા તેમની પુત્રી ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન હાજર રહેનાર છે.
આ પ્રસંગે 450 બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) વિજેતાઓ અને શાહી પરિવારે પસંદ કરેલા 400 યુવાનો ઉપસ્થિત રહેશે.
શાહી પરિવાર સાથે નજીકનું જોડાણો ધરાવતી હસ્તીઓ કોમિક્સ સ્ટીફન ફ્રાય, રોવાન એટકિન્સન, અભિનેતા રિચાર્ડ ઇ ગ્રાન્ટ અને પ્રુનેલા સ્કેલ્સ, ડેવિડ અને વિક્ટોરિયા બેકહામ હાજર હોય તેમ બની શકે છે.