કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેકમાં મહારાજાની ચેરિટી પહેલ સાથે સંકળાયેલા સંખ્યાબંધ ભારતીય સમુદાયના કાર્યકરો સૌરભ ફડકે, ગલ્ફશા, કેનેડાના જય પટેલ પણ જોડાનાર છે. તો કાર્ડિફમાં કોમ્યુનિટી કોહેશનની સેવાઓ માટે 2021ના નવા વર્ષની સન્માન યાદીમાં બ્રિટિશ એમ્પાયર મેડલ મેળવનાર કાર્ડિફના હરિલાલ પટેલ પણ રાજ્યાભિષેકમાં ઉપસ્થિત થનાર છે.

1972માં યુગાન્ડાના શરણાર્થી તરીકે આવેલા હરિલાલ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર (SDM અને HCC)ના ટ્રસ્ટી અને સ્થાપક સભ્ય છે અને 1984થી સમુદાયમાં સેવાઓ આપી રહ્યા છે. તેમણે 1986માં તેમના મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તરીકે સેવા આપવા માટે એક બિલ્ડિંગ તરીકે “28 ધ પરેડ” ખરીદવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, અને પછીથી વર્તમાન પરિસરમાં, 2011માં “સીવ્યુ બિલ્ડીંગ્સ” ખરીદી હતી. વેલ્શ સોસાયટીમાં પણ તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે.

કાર્ડિફ યુનિવર્સિટીમાં મેડિકલ જિનેટિક્સના એમેરિટા પ્રોફેસર તથા અન્ય સંસ્થાઓના વિઝિટિંગ પ્રોફેસર મીના ઉપાધ્યાય OBE PhD FRCPath FLSW પણ રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે. તેમણે ન્યુરોફિબ્રોમેટોસિસ પ્રકાર 1 અને ફેસિઓસ્કેપ્યુલોહ્યુમરલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિત આનુવંશિક પરિસ્થિતિઓની પરમાણુ સમજણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને 200થી વધુ પેપર, 26 પુસ્તક પ્રકરણો અને પાંચ પુસ્તકો સહ-સંપાદિત કર્યા છે. તેઓ રોયલ કોલેજ ઓફ પેથોલોજિસ્ટ્સ (RCPath) પ્રાદેશિક વેલ્સ કાઉન્સિલ, RCPath ના EDI નેટવર્ક, યુરોપિયન ન્યુરોફિબ્રોમેટોસિસ (NF) જૂથમાં પણ બિરાજે છે.

લેસ્ટર હિન્દુ સમાજના અગ્રણી અને સંસ્કાર રેડિયામાં સેવા આપતા શ્રીમતી બંસરી નિલેશ રૂપારેલિયા BEMને પણ રાજ્યાભિષેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું છે. ખાસ કરીને કોવિડ રોગચાળા માટે સોસ્યલ આઇસોલેશન અનુભવતા લોકોને ટેકો અને મદદ કરનાર બંસરીબેને આ નિમંત્રણ માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને સનાતન મંદિરમાં તેમની સફળતા માટે બહુમાન કરાયું હતું. 

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે આ ઉપરાંત પ્રિન્સ ફાઉન્ડેશનના બિલ્ડીંગ ક્રાફ્ટ પ્રોગ્રામના સ્નાતક અને ડમફ્રીઝ હાઉસ, સ્કોટલેન્ડમાં પ્રિન્સ ચાર્લ્સ દ્વારા વિશ્વના હાલના પડકારોનો સર્વગ્રાહી ઉકેલ પૂરો પાડવાના વિઝન સાથે સ્થપાયેલા પ્રિન્સ ફાઉન્ડેશન સ્કૂલ ઓફ ટ્રેડિશનલ આર્ટસના સૌરભ ફડકે ઉપસ્થિત રહેશે. 37 વર્ષના ફડકે 2018-19માં હિલ્સબરો કાસલના દિવાલવાળા બગીચાના હૃદયમાં સમરહાઉસનું “લાઇવ બિલ્ડ” પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના સમૂહનો એક ભાગ હતા.

ભૂતપૂર્વ પ્રિન્સ ઑફ વેલ્સની ચેરિટી પહેલો સાથે સંકળાયેલા અને 2022માં પ્રિન્સ ટ્રસ્ટ ગ્લોબલ એવોર્ડ મેળવનાર દિલ્હીની ગલ્ફશા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ધ પ્રિન્સ ટ્રસ્ટના ઇન્ટરનેશનલ પાર્ટનર મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગલ્ફશાએ ‘ગેટ ઇનટુ પ્રોગ્રામ’ પૂર્ણ કર્યો હતો. તે હવે કન્સલ્ટન્સી ફર્મ માટે કામ કરી બિલ્ડીંગ પ્રોજેક્ટ્સ માટે એસ્ટીમેટ્સ આપે છે.

મે 2022માં પ્રિન્સ ટ્રસ્ટ કેનેડાના યુથ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામને પૂર્ણ કરનાર કેનેડાના ભારતીય મૂળના જય પટેલને પણ આમંત્રણ અપાયું છે. જયને મૂલ્યવાન કૌશલ્ય પ્રાપ્ત થયું હતું અને તેમણે ટોરોન્ટોના આઇકોનિક સીએન ટાવરમાં શેફ તરીકે નોકરી મેળવી હતી. જય હવે એ જ પ્રકારનું સમર્થન મેળવવા માંગતા અન્ય લોકોને પ્રેરણા આપવા માટે ઉત્સાહી છે.

પ્રિન્સ ટ્રસ્ટના એમ્બેસેડર તરીકે અમેરિકન ગાયક-ગીતકાર લિયોનેલ રિચી અને બેન્ડ સ્ટીરીઓફીનિક્સની મુખ્ય ગાયિકા કેલી જોન્સ પણ એબીમાં જોડાશે.

LEAVE A REPLY