યુકેમાં મહારાણીના રાજ્યાભિષેકના 70 વર્ષો પછી પ્રથમ વખત વેસ્ટમિન્સ્ટર એબીની અંદર સંગીત અને સીમ્બોલીઝમથી ભરેલા શાનદાર સમારોહમાં આર્ચબિશપ ઓફ કેન્ટરબરીએ કિંગ ચાર્લ્સના માથે પર સેન્ટ એડવર્ડનો તાજ મૂકી તેમનો રાજ્યાભિષેક કર્યો હતો. તો ક્વીન કોન્સર્ટ કેમિલાને પણ 1911માં બનાવાયેલો તાજ પહેરાવી રાણી તરીકે રાજ્યાભિષેક કરાયો હતો. તેમની પ્રથમ પ્રાર્થનામાં મહારાજા ચાર્લ્સે કહ્યું હતું કે “હું સેવા લેવા માટે નહિં, પરંતુ સેવા આપવા આવ્યો છું.”

રોયલ ફેમિલીના સદસ્યો, સેલિબ્રિટીઝ, ધાર્મિક અને સામાજીક નેતાઓ, વિવિધ દેશોના વડાઓ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. વિધિ પૂરી થયા બાદ શાહી દંપતી ગોલ્ડ સ્ટેટ કોચમાં બકિંગહામ પેલેસ પરત ફરતા હતા ત્યારે હજારો લોકોઓ શાહી યુગલની એક ઝલક મેળવવા માટે ધ મોલમાં લાઇનો લગાવી હતી. તો રાજા અને રાણીએ બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી ઉમટી પડેલા માનવમહેરામણનું સ્વાગત કર્યું હતું.

તે અગાઉ કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલા ગોલ્ડ સ્ટેટ કોચમાં બકિંગહામ પેલેસથી નીકળીને વેસ્ટમિન્સટર એબી જવા નીકળ્યા ત્યારે સેન્ટ્રલ લંડનની શેરોમાં અગાઉથી જ ઉપસ્થિત રહેલી વિશાળ જનમેદનીએ હર્ષભેર ચીચીયારીઓ પાડીને તેમને વધાવ્યા હતા અને સ્વાગત કર્યું હતું. તો રાજાશાહી વિરોધી જૂથ ‘રીપબ્લિક’ના અગ્રણી સભ્યોએ ટ્રફાલ્ગર સ્ક્વેર નજીક પીળા વાવટા ફરકાવી શાહી યુગલનો વિરોધ વ્યક્ત કરતા તેમની ધરપકડ કરાઇ હતી.

કિંગ ચાર્લ્સને રાજ્યાભિષેક સમયે જે તાજ પહેરાવવામાં આવ્યો છે તે તે સેન્ટ એડવર્ડનો તાજ છે. તે તાજ 17મી સદીમાં રાજા ચાર્લ્સ II માટે બનાવવામાં આવ્યો હતો. આ તાજ ફક્ત રાજાનો રાજ્યાભિષેક કરતી વખતે જ પહેરાવાય છે અને હવે રાજા ચાર્લ્સ III તે તાજને ફરી કદી પહેરશે નહિં.

રાજ્યાભિષેક બરાબર સવારે 11 કલાકે શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થયો હતો. જે દરમિયાન  રાજ્યાભિષેકનું મુખ્ય થીમ સર્વિસના મહત્વ હતું. તે થીમમાં કિંગ ચાર્લ્સ દ્વારા લેવાયેલા શપથ અને પ્રાર્થનાઓ અને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા આપવામાં આવેલ ઉપદેશ મહત્વપૂર્ણ રહ્યા હતા.

આર્ચબિશપ વેલ્બીએ આ પ્રસંગે પોતાનો ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે “અમે અહીં રાજાને તાજ પહેરાવવા માટે છીએ, અને અમે સેવા કરવા માટે રાજાને તાજ પહેરાવીએ છીએ.  રાજાઓના રાજા જીસસ ક્રાઇસ્ટ સેવા લેવા માટે નહીં, પરંતુ સેવા આપવા માટે અભિષિક્ત કરાયા છે. તેમણે અપરિવર્તનશીલ કાયદો બનાવ્યો છે કે સત્તાના વિશેષાધિકાર સાથે સેવા કરવાની ફરજ પણ સાથે આવે છે.”

LEAVE A REPLY