નાગાલેન્ડની ‘કિંગ ચિલી’ એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પહેલી વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તે વિશ્વના સૌથી તીખાં મરચાં તરીકે ઓળખાય છે.
ભારતના વાણિજ્ય મંત્રાલયે બુધવારે આ અંગે જાણકારી આપી હતી. મંત્રાલયે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી કે ભૂત ઝોલકિયા પણ કહેવામાં આવે છે તે આજે નાગાલેન્ડથી હવાઇ માર્ગે લંડન પહોંચ્યા છે. આ નિકાસ ખેપ ગુવાહાટી થઈને પહેલી વખત લંડન મોકલવામાં આવી છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘શાનદાર સમાચાર! જે લોકોએ ભૂત ઝોલકિયા ખાધા છે, ફક્ત તેઓને જ ખબર છે કે તે કેટલા તીખા હોય છે.’
આ મરચાંને સ્કોવિલે હીટ યુનિટ (SHUs)ના આધાર પર વિશ્વના સૌથી તીખા મરચાં માનવામાં આવે છે. લંડન મોકલવામાં આવનારી મરચાંની ખેપને નાગાલેન્ડના પેરેન જિલ્લાના તેનિંગ વિસ્તારમાંથી મંગાવવામાં આવી હતી અને તેને ગુવાહાટીમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ નિકાસ વિકાસ ઓથોરિટી (APEDA)ના સહયોગવાળા પેકહાઉસમાં પેક કરવામાં આવ્યા હતા. નાગાલેન્ડના આ પ્રખ્યાત મરચાંને ભૂત ઝોલકિયા કે ઘોસ્ટ પેપર કહે છે. 2008ના વર્ષમાં તેને જીઆઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.