બ્રિટનના શાહી પરિવારના ગુલામી સાથેના જોડાણના પીએચડીના અભ્યાસને કિંગ ચાર્લ્સે સમર્થન આપી આ સંશોધન માટે રોયલ કલેક્શન અને આર્કાઇવ્સને તપાસવાની મંજૂરી આપી છે. પેલેસ દ્વારા કહેવાયું છે કે રાજા આ મુદ્દાને ‘ગંભીરતાથી’ લે છે અને ગુલામી અંગેની વેદના પર દુઃખ વ્યક્ત કરે છે. ઓક્સબ્રિજ કોલેજો, બેંક ઓફ ઈંગ્લેન્ડ, નેશનલ ટ્રસ્ટ સહિતની બ્રિટિશ સંસ્થાઓની ગુલામી સાથેના તેમના સંબંધોની યાદી ઘણી લાંબી છે.
મહારાજાનો આ નિર્ણય ઘણાને હિંમતવાન લાગશે અને પેલેસ આ સંશોધનને કેવો પ્રતિસાદ આપશે અને અભ્યાસના તારણો વળતરની માંગણીને જોર આપશે કે કેમ તે અંગે ચિંતાઓ ઇભી થઇ છે. શાહી પરિવારના ગુલામી સાથેના ભૂતકાળના ઐતિહાસિક સંબંધોના સંભવિત પરિણામો ચિંતાનું કારણ બની રહ્યા છે.
હીસ્ટોરિકલ રોયલ પેલેસીસ માટે ડચ એકેડેમિક, કેમિલા ડી કોનિંગ, રોયલ આફ્રિકન કંપનીની ભૂમિકા પર “રોયલ એન્ટરપ્રાઇઝ: રીકન્સીડરીંગ ધ ક્રઉન્સ એન્ગેજમેન્ટ ઇન બ્રિટન્સ ઇમરજીંગ એમ્પાયર 1660-1775” વિષય પર પીએચડી થીસીસ કરી રહ્યા છે. જેમાં બે બ્રિટિશ કિંગ દ્વારા સ્થાપિત કરાયેલ ગુલામીના ઈજારાનો અભ્યાસ કરાશે.
તેમાં ગુલામી ઉપરાંત શાહી પરિવારની અન્ય બાબતો જેમ કે કોહીનૂર હીરાની માલિકી અંગે પણ તપાસ થઈ શકે છે. જેનો ભારત અને અન્ય દેશો દાવો કરાય છે. તેમના પીએચડીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતમાં આગમન અને સફળતા તથા 19મી સદીમાં રાણી વિક્ટોરિયાના બ્રિટીશ રાજનો પણ સમાવેશ થશે તેમ લાગે છે. જો કે તે વિષય પરની તપાસ ખરેખર ખૂબ જ નાજુક હશે. કેમ કે ભારત સરકાર સામ્રાજ્ય પછીની બાબતો પ્રત્યે સતર્ક છે, અને આ વિષયનું સંશોધન રાજદ્વારી દુઃસ્વપ્નનું કારણ બની શકે છે.
વુલ્ફસન હિસ્ટ્રી પ્રાઈઝ માટે નોમિનેટેડ સામ્રાજ્યના ઈતિહાસકાર એલેક્સ વોન તુન્ઝેલમેને મહારાજાના નિર્ણયને આવકાર્યો છે.
ડી કોનિંગે કહ્યું હતું કે “રાજાઓ કેવી રીતે ગુલામ વેપાર અને વ્યાપક શાહી અર્થવ્યવસ્થામાં તેઓ સામેલ હતા, તેના વિશે કેવી રીતે વિચાર્યું હતું અને બોલ્યા હતા તે વિશે વધુ માહિતી મેળવવાની આશા રાખું છું. રાજ્યની ભૂમિકા લાંબા સમયથી ઇતિહાસકારોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિષય પર વધુ માહિતી મેળવવાથી આપણે રાજાશાહીને શાહી ઇતિહાસમાં પાછી મૂકી શકીશું.’’
1560 ના દાયકામાં પ્રથમ ઇંગ્લિશ સ્લેવ ટ્રેડર જોન હોકિન્સે આફ્રિકાના પશ્ચિમ કિનારે સફર કરી પોર્ટુગીઝ કોલોનીયલ નગરો અને વહાણો પર હુમલોકરી ગુલામોને પકડ્યા હતા અને તેમને સ્પેનિશ ક્લેન્ટેશન માટે એટલાન્ટિકની પાર લઈ ગયા હતા. તે ચાર સફર માટે રાણી એલિઝાબેથ I એ ‘જીસસ ઓફ લ્યુબેક’ શીપ ભાડે આપ્યું હતું અને બદલામાં તેમને નફાનો હિસ્સો મળ્યો હતો. ગુલામોના વેપારના ઈતિહાસમાં સૌથી નોંધપાત્ર નામોમાંનું એક રોયલ આફ્રિકન કંપની છે, જેની સ્થાપના 1660માં થઈ હતી અને તેની આગેવાની કિંગ ચાર્લ્સ II ના ભાઈ ડ્યુક ઓફ યોર્ક દ્વારા કરાઇ હતી અને તેમણે પાછળથી જેમ્સ II તરીકે શાસન કર્યું હતું.
1672 અને 1731ની વચ્ચે, રોયલ આફ્રિકન કંપનીએ 187,000થી વધુ ગુલામોનું પરિવહન કર્યું હતું. જેમ્સ II એ તે રોકાણમાંથી £6,210 કમાયા હતા જે આજના £1 મિલિયનની સમકક્ષ છે. વિલિયમ III એ પણ આજના £163,000ની સમકક્ષના £1,000ના શેર મેળવ્યા હતા. જ્યોર્જ I અને જ્યોર્જ II ને પણ ગુલામોના વેપારમાંથી નફો થયો હતો.