તા. 5 જુલાઇના રોજ એડિનબરામાં યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં નવા રાજાના રાજ્યાભિષેકની ઉજવણી પ્રસંગે બ્રિટનના રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાને હિંદુ પૂજારી સહિતના વિવિધ ધર્મગુરૂઓના આશીર્વાદ સાથે એલિઝાબેથ તલવાર, સ્કોટલેન્ડના સન્માનનો પ્રાચીન રાજદંડ અને ક્રાઉન જ્વેલ્સ આપવામાં આવ્યા હતા. સર્વધર્મનું ફોર્મેટ મે મહિનામાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાયેલા રાજ્યાભિષેક જેવું જ હતું.
એડિનબરામાં સેન્ટ જાઇલ્સ કેથેડ્રલ ખાતે ધ નેશનલ સર્વિસ ઓફ થેંક્સગિવીંગ એન્ડ ડેડીકેશન એ સ્કોટલેન્ડ સાથે રાજાના જોડાણનું પ્રતીક છે. ખ્રિસ્તી સમારોહમાં હિંદુ પૂજારી, મુસ્લિમ ઈમામ, યહૂદી રબ્બી અને બૌદ્ધ સાધુ “વિશ્વાસ અને આસ્થાના સમુદાયોના પ્રતિનિધિઓ તરફથી આશીર્વાદ અને શુભેચ્છાઓ” શીર્ષક ધરાવતા સેગમેન્ટમાં જોડાયા હતા.
ગ્લાસગો હિન્દુ મંદિરના માનદ પૂજારી ડૉ. શ્રીહરિ વલ્લભજૌસુલાએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે “દેવી શ્રી લક્ષ્મી અને ભગવાન શ્રી વેંકટેશ્વર મહારાજ અને રાજવી પરિવારને યુકે અને કોમનવેલ્થના લોકોની સેવા અને ઉત્થાન માટે વિચારો, શબ્દો અને કાર્યોની શુદ્ધતા અને એકતા સાથે આશીર્વાદ આપે.”
પાકિસ્તાની મુસ્લિમ મૂળના સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફે સર્વિસ દરમિયાન ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માંથી બાઈબલનું રીડીંગ કર્યું હતું. પ્રિન્સ ઑફ વેલ્સ ઓઓફઓઅને વિલિયમ અને તેમના પત્ની કેથરિન અન્ય વરિષ્ઠ રાજવીઓ સાથે હાજર રહ્યાં હતા. સ્કોટિશ રાજધાનીમાં લોકોના સરઘસ, રોયલ સરઘસ, 21 બંદૂકોની સલામી અને રેડ એરો ફ્લાયપાસ્ટના આયોજન થયા હતા. શાહી પ્રસંગ માણવા રોયલ માઇલ ખાતે લોકોએ લાઇન લગાવી હતી તો રાજાશાહી વિરોધીઓએ દેખાવો કર્યા હતા.
શાહી પરંપરા મુજબ, દર વર્ષે બ્રિટીશ રાજા ઔપચારિક રીતે એડિનબરાના પેલેસ ઓફ હોલીરૂડહાઉસમાં એક સપ્તાહ વિતાવે છે, જે સ્કોટલેન્ડમાં હોલીરૂડ વીક અથવા રોયલ વીક તરીકે ઓળખાય છે.