કિંગ ચાર્લ્સ III એ સોમવારે બ્રિટનના રાજા તરીકે પ્રથમ વખત સંસદને સંબોધન કરી રાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મારી ડાર્લિંગ માતાએ નિઃસ્વાર્થ ફરજનું ઉદાહરણ સેટ કરી ખૂબ નાની ઉંમરમાં મહારાણીએ પોતાના દેશ અને તેના લોકોની સેવા કરવા અને બંધારણીય સરકારના મૂલ્યવાન સિદ્ધાંતોને જાળવવાનું વચન આપ્યું હતું જે આપણા રાષ્ટ્રના હૃદયમાં છે.’’
લંડનના વેસ્ટમિન્સ્ટર હોલમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પ્રસ્તાવિત અંજલિના પ્રતિભાવમાં કિંગ ચાર્લ્સે વેસ્ટમિન્સ્ટર હોલ સાથે સંકળાયેલા તેમની માતાના શાસનના ઘણા પ્રતીકો તરફ ધ્યાન દોર્યું હતું.
કિંગ ચાર્લ્સે કહ્યું હતું કે “આ વચન પ્રત્યે તેમણે અભૂતપૂર્વ નિષ્ઠા સાથે રાખી હતી. તેમણે નિઃસ્વાર્થ ફરજનું ઉદાહરણ સેટ કર્યું હતું અને તે ભગવાનની મદદ અને તમારી સલાહ સાથે નિભાવવાનો અને અનુસરવાનો હું નિષ્ઠાપૂર્વક સંકલ્પ કરું છું. જેમ કે શેક્સપિયરે અગાઉની રાણી એલિઝાબેથ વિશે કહ્યું હતું તેમ, તેઓ જીવતા તમામ શાહી રાજકુમારો માટે એક પેટર્ન હતા. આખા વિશ્વમાં આપણા રાષ્ટ્રના સૌથી શક્તિશાળી પ્રતીકોમાંના એક એલિઝાબેથ ટાવરનું નામ મારી માતાની ડાયમંડ જ્યુબિલી પ્રસંગે રાખવામાં આવ્યું છે. આપણે આજે રાણીની, તેના રાષ્ટ્રો અને લોકો માટે સમર્પિત સેવાના નોંધપાત્ર સમયગાળાની યાદમાં ભેગા થયા છીએ.”
કિંગ ચાર્લ્સે વિકેન્ડ દરમિયાન કિંગ તરીકે ઘોષિત થયા બાદ કહ્યું હતું કે “હું આ મહાન વારસો અને સાર્વભૌમત્વની ફરજો અને ભારે જવાબદારીઓથી ઊંડે વાકેફ છું જે હવે મને લાગુ પડે છે. આ જવાબદારીઓ નિભાવતી વખતે, હું બંધારણીય સરકારને જાળવી રાખવા અને આ ટાપુઓના લોકો અને સમગ્ર વિશ્વમાં કોમનવેલ્થ ક્ષેત્રો અને પ્રદેશોના લોકોની શાંતિ, સંવાદિતા અને સમૃદ્ધિ મેળવવા માટે જે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેને અનુસરવાનો પ્રયત્ન કરીશ.”
સાંસદો અને સાથીદારો સાથેના પોતાના સંબંધો માટે સૂર એક કરવા ચાર્લ્સે સંસદને “આપણી લોકશાહીનું જીવંત અને શ્વાસ લેવાના સાધન તરીકે વર્ણવી “મારી પ્રિય સ્વર્ગસ્થ માતા સાથેના મૂર્ત જોડાણો” કહી પ્રકાશ પાડ્યો હતો.
રાજ્યના શોક વ્યક્ત કરવાની આ બંધારણીય વિધિ વખતે સંસદના લગભગ 900 સભ્યો અને સાથીદારો એકઠા થયા હતા અને સૌએ નવા સાર્વભૌમ પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું.
હાઉસ ઓફ કોમન્સના સ્પીકર, સર લિન્ડસે હોયલે શોક સંદેશ વાંચતા જણાવ્યું હતું કે “અમારું દુઃખ જેટલું ઊંડું છે તેનાથી વધુ તમારું દુઃખ ઊંડું છે તે અમે જાણીએ છીએ. અમારી સ્વર્ગસ્થ રાણી વિષે તમે પહેલાથી જાણતા ન હોય તેવું તમારી માતાના વખાણમાં કહી શકીએ એવું કંઈ નથી.”
આ સંદેશ નવા રાજાને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિંગ ચાર્લ્સ સાથે કેમિલા, ક્વીન કોન્સોર્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. શોક સમારંભના અંતે, કિંગ ચાર્લ્સ પત્ની કેમિલા સાથે એડિનબરા જવા રવાના થયા હતા જ્યાં તેઓ સ્વર્ગસ્થ રાણીના કોફીનના શાહી સરઘસનું નેતૃત્વ કર્યું હતું.
કિંગ ચાર્લ્સ III સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન સાથે શોકની દરખાસ્ત પસાર થતી વખતે સ્કોટિશ સંસદમાં અને સોમવારે સાંજે તેઓ સેન્ટ ગિલ્સ કેથેડ્રલ ખાતે શાહી પરિવારના અન્ય સભ્યો સાથે વિજીલમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કિંગ યુકેના તમામ ભાગો નોર્ધર્ન આયર્લેન્ડ અને પછી વેલ્સના રૂઢિગત પ્રવાસો પર જનાર છે.
રાણીનું કોફિન સ્કોટલેન્ડથી ઈંગ્લેન્ડ આવ્યા બાદ તેને બકિંગહામ પેલેસ ખાતેના બો રૂમમાં રાખવામાં આવશે જ્યાં રાણીની પુત્રી પ્રિન્સેસ એની તેની સાથે રહેશે. બુધવારે કોફિનને લંડનના વેસ્ટમિંસ્ટર હોલમાં ખસેડવામાં આવશે જ્યાં તે 19 સપ્ટેમ્બર સુધી અંતિમ સંસ્કારના દિવસ સુધી રાખવામાં આવશે.