શનિવાર તા. 10ના રોજ લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં યોજાયેલા પ્રાચીન પરંપરા અને રાજકીય પ્રતીક સમા ઐતિહાસિક સમારોહમાં બ્રિટનના નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સ IIIની રાજા તરીકે ઘોષણા કરાઇ હતી. જેમાં કિંગ ચાર્લ્સે તેમની માતા, સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ના “પ્રેરણાદાયી ઉદાહરણ”ને અનુસરવાનું વચન આપ્યું હતું. બ્રિટનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કિંગ ચાર્લ્સ III ના નિર્ણયને પગલે આ સમારોહનું ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
“ગોડ સેવ ધ કિંગ”ના ઉદ્ગાર સાથે એકત્ર થયેલા લોકોએ કાઉન્સિલના ક્લાર્ક દ્વારા કરાયલી ઘોષણાને વઘાવી લીઘી હતી.
કિંગ ચાર્લ્સે રાણી એલિઝાબેથ II ના મૃત્યુની જાહેરાત કરવા માટેની “સૌથી દુઃખદાયક ફરજ” તથા “જીવનભરના પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ”નો ઉલ્લેખ કર્યો હતો. કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે “મારી માતાનું શાસન તેના સમર્પણ અને તેના ડિવોશનમાં અસમાન હતું. દુઃખી હોવા છતાં, અમે આ સૌથી વફાદાર જીવન માટે આભાર માનીએ છીએ. આ જવાબદારીઓ નિભાવતી વખતે હું બંધારણીય સરકારને જાળવી રાખવા માટે અને આ ટાપુઓના લોકો અને વિશ્વભરના કોમનવેલ્થ ક્ષેત્રો અને પ્રદેશોની શાંતિ, સંવાદિતા અને સમૃદ્ધિ મેળવવા માટે જે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કરવામાં આવ્યું છે તેને અનુસરવાનો હું પ્રયત્ન કરીશ.’’
કિંગ ચાર્લ્સ સાથે તેમની પત્ની, ક્વીન કોન્સોર્ટ કેમિલા, તેમના પુત્ર અને વારસદાર પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ જોડાયા હતા, જેમણે ઔપચારિક ઘોષણા દસ્તાવેજોમાં તેમની સહીઓ કરી હતી. કિંગ ચાર્લ્સે યુકેમાં શાહી ખર્ચને આવરી લેતી સાર્વભૌમ ગ્રાન્ટના બદલામાં પોતાની તમામ આવક અને ક્રાઉન એસ્ટેટ દેશને સોંપવાની પરંપરાની પુષ્ટિ કરી હતી.
આ પ્રસંગે તમામ છ જીવિત પૂર્વ વડા પ્રધાનો – સર જ્હોન મેજર, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન, ડેવિડ કેમરન, થેરેસા મે અને બોરિસ જોન્સન, નવા વડા પ્રધાન લિઝ ટ્રસ સાથે વિપક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેન્ટ જેમ્સ પેલેસમાં ફ્રાયરી કોર્ટની બાલ્કનીમાંથી ગાર્ટર કિંગ ઓફ આર્મ્સ દ્વારા પ્રથમ વખત મુખ્ય ઘોષણા વાંચવામાં આવી હતી. તો લંડનના હાઈડ પાર્ક ખાતે ધ કિંગ્સ ટ્રુપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા 41 બંદૂકોની સલામી આપવામાં આવી હતી. ટ્રમ્પેટર્સે રોયલ સેલ્યુટ વગાડ્યું અને કોલ્ડસ્ટ્રીમ ગાર્ડ્સનું બેન્ડ રાષ્ટ્રગીત સાથે અનુસરવામાં આવ્યું હતું. જેના જવાબમાં નવા રાજા માટે ઉત્સાહિત ભીડ દ્વારા “થ્રી ચીયર્સ ફોર હિઝ મેજેસ્ટી ધ કિંગ!” કહેવાયું હતું.
આ પ્રિવી કાઉન્સિલમાં રાજકારણીઓ, ક્લર્જીના વરિષ્ઠ સભ્યો અને સુપ્રીમ કોર્ટના જજીસનો સમાવેશ થાય છે. ઘોષણા બાદ, કિંગ ચાર્લ્સ III એ તેમની પ્રથમ પ્રિવી કાઉન્સિલની બેઠક યોજી “સાર્વભૌમત્વની ફરજો અને જવાબદારીઓ ધારણ કરવા” અને તેમની સ્વર્ગસ્થ માતાના પગલે ચાલવાની તેમની વ્યક્તિગત ઘોષણા કરી હતી.
શુક્રવારના રોજ, કિંગે બકિંગહામ પેલેસ ખાતે બ્રિટીશ વડા પ્રધાન ટ્રસને પ્રથમ વખત સાંભળ્યા હતા. તે પછી નવા રાજાની ઝલક મેળવવા મહેલના દરવાજા પર એકઠા થયેલા વિશાળ ટોળા દ્વારા તાળીઓના ગડગડાટ અને ઉલ્લાસ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.