બ્રિટનના પ્રિન્સ હેરી તેમના પિતા રાજા ચાર્લ્સ III ના 6ઠ્ઠી મેના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાનારા રાજ્યાભિષેકમાં પત્ની મેઘન અને બાળકો વગર એકલા જ હાજરી આપશે એમ બકિંગહામ પેલેસે બુધવારે જણાવ્યું હતું. જ્યારે તેમના પત્ની માર્કલ અને તેમના બાળકો આર્ચી અને લિલિબેટ કેલિફોર્નિયા જ રહેશે.
બ્રિટિશ સિંહાસન માટેના પાંચમા ક્રમના દાવેદાર ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીની આ મુલાકાત વિવાદાસ્પદ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી અને આત્મકથા ‘સ્પેર’માં હેરીના બ્રિટનના રાજવી પરિવાર સાથેના તેના વિવાદાસ્પદ સંબંધોના વિવાદાસ્પદ ઘટસ્ફોટને અનુસરે છે.
હેરી અને મેઘનના ચેરિટેબલ ફાઉન્ડેશન આર્ચેવેલે પણ સમાન જાહેરાત કરી હતી. શાહી રાજ્યાભિષેકની તારીખ આર્ચીના ચોથા જન્મદિવસ સાથે એકરુપ હોવાથી હેરી આવશે કે નહિં તેવી અટકળો વહેતી થઈ હતી. મેગનની ગેરહાજરી પરિવારમાં વણઉકેલાયેલા તણાવના સંકેત તરીકે જોવામાં આવશે. ગયા વર્ષે જૂનમાં સ્વ. દાદી ક્વીન એલિઝાબેથ II ની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી વખતે પણ ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં પરંપરાગત દેખાવમાં ભાગ લીધો ન હતો.
હેરી ગયા મહિને ગોપનીયતા ભંગના આરોપો અંગે એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ જૂથ સામેના કેસ માટે કોર્ટની સુનાવણીમાં હાજરી આપવા લંડન આવ્યા હતા. પણ તેઓ પિતા અથવા ભાઈને મળ્યા વિના યુએસ પાછા ગયા હતા.