લંડનમાં બકિંગહામ પેલેસ દ્વારા વેસ્ટમિંસ્ટર એબી ખાતે ગૌરવપૂર્ણ ધાર્મિક સમારોહમાં તા. 6 મેના રોજ થનારા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કોન્સોર્ટ કેમિલાના ભવ્ય રાજ્યાભિષેક વખતે આધુનિક સમયનો સ્પર્શ ધરાવતા સોનાથી જડેલ ભવ્ય એરકન્ડીશન્ડ હોર્સ કેરેજ, ઐતિહાસિક ક્રાઉન જ્વેલ્સની સીરીઝ અને સોશિયલ મીડિયા માટેના તદ્દન નવા ઈમોજીનો સમાવેશ કરાશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથ II ના અવસાન પછી બ્રિટિશ સિંહાસન પર સ્થાન મેળવનારા 74 વર્ષીય રાજાને ઔપચારિક રીતે તાજ પહેરાવવામાં આવશે.
પેલેસે જણાવ્યું હતું કે તા. 6ઠ્ઠી મેની સવારે કિંગ ચાર્લ્સ બકિંગહામ પેલેસથી ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં વેસ્ટમિન્સ્ટર એબી જશે. 2012માં સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ II ના શાસનની 60મી વર્ષગાંઠની ઉજવણી માટે બનાવવામાં આવેલ કોચ પરનો સોનેરી તાજ HMS વિક્ટરીના ઓકમાંથી કોતરવામાં આવ્યો છે. તો કોચની અંદર બ્રિટન અને તેના ઇતિહાસ સાથે જોડાણો ધરાવતી ઇમારતો અને સ્થાનોમાંથી લાકડા, ધાતુઓ અને અન્ય સામગ્રીના નમૂનાઓ જડવામાં આવ્યા છે. આ કોચમાં એર-કન્ડીશનિંગ અને શોક એબ્સોર્બર્સ ફીટ કરાયા છે.
સમારોહ પછી એબીથી મહેલ સુધીની ટૂંકી પરત મુસાફરી માટે ઓછા આરામદાયક ગોલ્ડ સ્ટેટ કોચનો ઉપયોગ કરાશે. જૂન 2022માં રાણી એલિઝાબેથ II ની પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ દરમિયાન જોવા મળેલ કોચ કિંગ જ્યોર્જ III દ્વારા સૌપ્રથમવાર 1762માં પાર્લામેન્ટના સ્ટેટ ઓપનીંગ માટે કરાયો હતો. 1831માં વિલિયમ IV ના સમયથી દરેક રાજ્યાભિષેક વખતે તે કોચનો ઉપયોગ કરાયો હતો.
આ વખતે કોચને આઠ વિન્ડસર ગ્રે દ્વારા ખેંચવામાં આવશે અને તેના ચાર ટન વજનને કારણે તે ચાલવાની ગતિએ મુસાફરી કરશે. મહેલ પર પાછા ફર્યા પછી રાજા-રાણીને યુનાઇટેડ કિંગડમ અને કોમનવેલ્થ આર્મ્ડ ફોર્સીસ તરફથી રોયલ સેલ્યુટ અપાશે. જેઓ તે દિવસે પરેડ કરનાર છે. રોયલ સેલ્યુટ પછી સશસ્ત્ર દળો તરફથી શુભકામના તરીકે એસેમ્બલ સર્વિસ સ્ટાફ તરફથી થ્રી ચીયર્સ કરાશે.
ક્રાઉન જ્વેલ્સનું હૃદય ગણાતા કોરોનેશન રેગાલિયાને જાહેર પ્રદર્શન માટે ટાવર ઓફ લંડનમાં જ રખાશે. ધ રેગાલિયાએ સેંકડો વર્ષોથી રાજ્યાભિષેક સેવાઓમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે અને પરંપરાને ધ્યાનમાં રાખીને, 6ઠ્ઠી મેના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે ઉપયોગમાં લેવાશે.
ઓક ઉપર ચાંદીના ગિલ્ટથી બનેલા બે મેસેસ, 1660 અને 1695 ની વચ્ચેના છે અને સત્તાના ઔપચારિક પ્રતીકો છે. ઔપચારિક પ્રસંગોએ સાર્વભૌમ સમક્ષ સ્ટેટ સોર્ડ પણ લઈ જવામાં આવે છે, જે રોયલ ઓથોરિટીનું પ્રતિક છે. ચાંદીના ગિલ્ટ હિલ્ટ સાથે સ્ટીલ બ્લેડ ધરાવતી સોર્ડ લાકડાના સ્કેબાર્ડમાં બંધ હોય છે અને મખમલમાં ઢંકાયેલી રહે છે.
રાજ્યાભિષેક સરઘસ દરમિયાન સોર્ડ ઓફ ટેમ્પોરલ જસ્ટિસ, સશસ્ત્ર દળોના વડા તરીકે રાજાની ભૂમિકાને દર્શાવેતી સોર્ડ ઓફ સ્પીરીચ્યુઅલ જસ્ટીસ અને રાજાને ધર્મના રક્ષક તરીકે દર્શાવતી સોર્ડ ઓફ મર્સી અથવા કર્ટાના નામની ત્રણ તલવારો ઉપયોગમાં લેવાશે. આ તલવારોનો ઉપયોગ સૌપ્રથમવાર 1626માં રાજા ચાર્લ્સ Iના રાજ્યાભિષેક વખતે કરાયો હતો અને તેની સ્ટીલની બ્લેડ 16મી સદીની છે.
ઓ કોરોનેશનમાં ઉપયોગમાં લેવાનાર સૌથી જૂની વસ્તુ સિલ્વર-ગિલ્ટેડ કોરોનેશન સ્પૂન છે, જે સૌપ્રથમ 1349માં વાપરવામાં આવી હતી. જ્યારે સોવરીન રીંગ હીરા સાથે જડેલા રૂબી ક્રોસ સાથે નીલમથી બનેલી છે. આ વખતે બે સાર્વભૌમ રાજદંડનો પણ ઉપયોગ કરાશે.
કેમિલા માટેની ક્વીન કોન્સોર્ટની વીંટી સોનાના સેટિંગમાં રૂબી જેડલી છે અને તે 1831માં રાજા વિલિયમ IV અને રાણી એડિલેડના રાજ્યાભિષેક માટે બનાવાવામાં આવી હતી.
લોન્ચ કરાયેલું નવું ઇમોજી નવા રાજાના તાજ તરીકે ઉપયોગમાં લેવાતા સેન્ટ એડવર્ડના ક્રાઉન પર આધારિત છે. આ વખતે #Coronation અથવા #CoronationWeekend જેવા હેશટેગ્સનો ટ્વીટર પર ઉપયોગ કરાશે. સમારોહમાં 2,000 મહેમાનોમાં ચેરિટી અને સમુદાય જૂથોના 850 પ્રતિનિધિઓ તેમજ બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) વિજેતાઓના બોલાવાશે.
યુકેમાં વરિષ્ઠ નાગરિકોની ચેરિટી સાથે કામ કરતા ભારતીય મૂળના શેફ અને BEM વિજેતા મંજુ માલ્હી પણ ખાસ આમંત્રિત કરાયેલા જૂથમાં સામેલ હશે.