ડ્યુક હેરી અને મેગનના પુત્ર પ્રિન્સ આર્ચીના જન્મ પહેલા બ્રિટિશ શાહી પરિવારના વરિષ્ઠ સભ્યોએ તેના ચામડીના રંગની આસપાસ પ્રશ્નો ઉભા કર્યા હોવાના આક્ષેપ ધરાવતા ઓમિડ સ્કોબીના પુસ્તક ‘એન્ડગેમ: ઈનસાઈડ ધ રોયલ ફેમિલી એન્ડ ધ મોનાર્કીઝ ફાઈટ ફોર સર્વાઈવલ’ બાબતે બકિંગહામ પેલેસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કાનૂની સહિત તમામ વિકલ્પોની શોધ કરી રહ્યા છે. કિંગ ચાર્લ્સ III અને કેટ મિડલટન – પ્રિન્સેસ ઑફ વેલ્સ વિવાદાસ્પદ નવીન ડચ આવૃત્તિ પછી જાતી વિવાદમાં ફસાયા છે.
આફ્રિકન અમેરિકન વારસાની મેગને, બે વર્ષ પહેલાં ઓપ્રાહ વિન્ફ્રે સાથેના માર્ચ 2021માં લેવાયેલા કુખ્યાત ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમના પ્રથમ બાળક આર્ચીના જન્મ પહેલા હેરીને પરિવારના એક અનામી સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેમના પુત્ર આર્ચીની ત્વચા “કેટલી કાળી” હશે. સ્કોબીના નવા પુસ્તકની મુખ્ય આવૃત્તિએ વરિષ્ઠ રોયલ્સનું નામ લેવાયું નથી પરંતુ ડચ આવૃત્તિમાં એવો આરોપ લગાવાયો છે કે રાજા ચાર્લ્સ અને કેટે આર્ચીની ચામડીના રંગ અંગે ચર્ચા કરી હતી.
રાજ મહેલના પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું કે “અમે તમામ વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ.” શરૂઆતમાં, યુકેના મોટાભાગના મીડિયાએ રોયલ્સનું નામ આપ્યું ન હતું. પરંતુ ટૉકટીવીએ ડચ બુક ફિયાસ્કોમાંથી ચાર્લ્સ અને કેટના નામ પ્રસારિત કર્યા પછી તે હેડલાઇન્સ બન્યા હતા.
યુકેના સિક્યુરીટી મિનિસ્ટર ટોમ ટુગેન્ધાતે ટોકટીવીને જણાવ્યું હતું કે “કેટલાક વ્યક્તિઓએ કેટલીક અફવા લખી મહામહિમ રાજા વિશે વિવિધ દાવાઓ કર્યા છે જે સંપૂર્ણપણે અપ્રમાણિત છે. કિંગે અમારા માટે શાનદાર કામ કર્યું છે, અને પ્રિન્સ ઑફ વેલ્સ તરીકે બ્રિટિશ લોકોના હિતમાં પણ તેમણે કામ કર્યું છે. હું આને માત્ર અફવા અને કોઈકને બદનામ કરવાના પ્રયાસ તરીકે જોઉં છું.”
નવા પુસ્તકના ડચ પ્રકાશકે જણાવ્યું હતું કે તેને “ભૂલ”ને કારણે નેધરલેન્ડ્સમાં શેલ્વ્સ પરથી પુસ્તક પાછું ખેંચવામાં આવ્યું હતી. તો લેખક સ્કોબી આગ્રહ કરી રહ્યો છે કે તે પ્રચાર સ્ટંટનો ભાગ નથી. જો કે, તેણે દાવો કર્યો છે કે તેણે નવીનતમ પુસ્તક માટે દંપતી સાથે વાત કરી ન હતી અથવા ઇન્ટરવ્યુ લીધો ન હતો. પ્રિન્સ હેરી અને મેઘનના પ્રતિનિધિઓએ પુસ્તકના પ્રકાશન અથવા આગામી તકરાર વિશે કોઈ ટિપ્પણી કરી નથી.