બ્રિટનના રાજા ચાર્લ્સ III એ સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં રોયલ વિન્ડસર કાસલ એસ્ટેટ ખાતે વિન્ડસર ગ્રેટ પાર્કના પાર્ક રેન્જર તરીકે વધારાની પર્યાવરણીય ભૂમિકા સાથે સોમવારે તેમનો 74મો જન્મદિવસ ઉજવ્યો હતો.
બકિંગહામ પેલેસે પાર્કના એક પ્રાચીન ઓક વૃક્ષ સામે ઝૂકેલા ચાર્લ્સના નવા પોટ્રેટને પ્રકાશીત કરવા સાથે જાહેરાત કરી હતી કે રાજા તેમના સ્વર્ગસ્થ પિતા, પ્રિન્સ ફિલિપ – ડ્યુક ઓફ એડિનબરાનું આ પદ સંભાળશે. રાજા પોતાનો જન્મદિવસ ખાનગી રીતે વિતાવ્યો હતો. તે દિવસ તેમણે કોઈ સત્તાવાર એંગેજમેન્ટમાં ભાગ લીધો ન હતો.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, ‘’ડ્યુક ઓફ એડિનબરાની આ પદ પર નિમણૂક થયાના 70 વર્ષ બાદ કિંગ ચાર્લ્સ સત્તાવાર રીતે વિન્ડસર ગ્રેટ પાર્કના પાર્ક રેન્જર બન્યા છે. રેન્જરનું પદ 1559માં શરૂ કરાયું હતું. રાણી એલિઝાબેથ I ના શાસન દરમિયાન સર હેનરી નેવિલની નિમણૂક કરાઇ હતી. છેલ્લા 460 વર્ષોમાં, આ પદ સામાન્ય રીતે સોવરીન અથવા પરિવારના સભ્યો દ્વારા સંભાળવામાં આવ્યું છે.”
ડ્યુક ઓફ એડિનબરા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રેન્જર હતા. સપ્ટેમ્બરમાં સિંહાસન પર બેઠા બાદ ચાર્લ્સનો પ્રથમ જન્મદિવસ લશ્કરી ઉજવણી છે. સોમવારે બકિંગહામ પેલેસની બહાર હાઉસહોલ્ડ કેવેલરીના બેન્ડે હેપ્પી બર્થ ડે વગાડ્યું હતું. સમગ્ર લંડનમાં ગન સેલ્યુટ અપાઇ હતી. કિંગ્સ ટ્રુપ રોયલ હોર્સ આર્ટિલરીએ ગ્રીન પાર્કમાંથી 41 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઓનરેબલ આર્ટિલરી કંપનીએ ટાવર ઓફ લંડન પરથી 62 ગનની સલામી આપી હતી.
પ્રિન્સ ઑફ વેલ્સ અને પ્રિન્સેસ, વિલિયમ અને કેટે જન્મદિવસની શુભેચ્છા પાઠવતો સંદેશ ટ્વીટ કર્યો હતો. રવિવારના રોજ કિંગે વિશ્વ યુદ્ધના શહીદોની યાદમાં સેન્ટ્રલ લંડનમાં સેનોટાફ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના શાસનની પ્રથમ રિમેમ્બરન્સ સન્ડે સર્વિસનું નેતૃત્વ કર્યું હતું.