બ્રિટનના 74 વર્ષીય નવા રાજા કિંગ ચાર્લ્સ III ને દર્શાવતી બેંક નોટોના પ્રથમ સેટની ડિઝાઇનનું બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા તા. 20ના રોજ અનાવરણ કરાયું હતું. રાજાનું પોટ્રેટ 5, 10, 20 અને 50 પાઉન્ડના મૂલ્યોની ચારેય પોલિમર બેંક નોટની હાલની ડિઝાઈન પર દેખાશે. તેમની સ્વર્ગસ્થ માતા ક્વીન એલિઝાબેથ દ્વિતીયની નોટોની હાલની ડિઝાઈનમાં અન્ય કોઈ ફેરફાર કરાશે નહીં. રાજાના પોટ્રેટ સાથેની નવી નોટો 2024ના મધ્ય સુધીમાં ચલણમાં પ્રવેશવાની અપેક્ષા છે. રાણીનો ફોટો દર્શાવતી વર્તમાન નોટો સમાંતર રીતે નિયમિત ઉપયોગમાં લઇ શકાશે.
બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ જણાવ્યું હતું કે, “મને ખૂબ ગર્વ છે કે બેંક અમારી નવી બેંક નોટોની ડિઝાઇન બહાર પાડી રહી છે જેમાં રાજા ચાર્લ્સ III નું પોટ્રેટ હશે. આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે કિંગ ચાર્લ્સ નોટો પર તસવીર ધરાવનાર માત્ર બીજા રાજા છે. ”
રાજાની છબી બેંકનોટના આગળના ભાગમાં તેમજ સી-થ્રુ સુરક્ષા વિંડોમાંથી દેખાશે. યુકેના રોયલ હાઉસહોલ્ડના માર્ગદર્શનને અનુરૂપ, આ નવી નોટો માત્ર ઘસાઈ ગયેલી નોટોને બદલશે તથા નોટોની માંગમાં થનાર વધારાને પહોંચી વળવા માટે જ છાપવામાં આવશે.
પેપર બેંક નોટ લાંબા સમય સુધી કાનૂની ટેન્ડરમાં હોય છે અને તેનો ચુકવણી કરવા માટે ઉપયોગ કરી શકાતો નથી. પણ તેવે લંડનમાં બેંક ઓફ ઈંગ્લેન્ડની કચેરી ખાતે રૂબરૂમાં બદલી શકાય છે કે પોસ્ટ દ્વારા મોકલી શકાય છે.