કિમ શર્માએ પોતાના સંબંધને અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. છેલ્લા ઘણા સમયથી તેની અને લિએન્ડર પેસ વચ્ચે ગાઢ સંબંધો હોવાની ચર્ચા હતી. હવે કિમે આ સંબંધને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. તે બંન્ને ગોવામાં સાથે વેકેશન માણી રહ્યા હતા ત્યારથી તેમની વચ્ચેના પ્રેમની ચર્ચા શરૂ થઇ હતી. આ પછી તેઓ ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. જોકે તેમણે ક્યારેય પોતાના સંબંધ અંગે થતી ચર્ચા પર કોઇપણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહોતો. કિમ શર્માએ હવે એક ઓફિશિયલ પોસ્ટ દ્વારા પોતાના અને લિએન્ડર પેસના સંબંધ અંગે સંકેત આપીને પોસ્ટ કર્યું છે, જ્યારે બીજી તરફ કિમની આ પોસ્ટને લિએન્ડરે પણ અનુમોદન આપ્યું છે. તેઓ જે હોટેલમાં હતા ત્યાંથી તેમણે ઇમેજ પોસ્ટ કરી હતી, અને તેમાં બંને ખુશખુશાલ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, કિમ શર્માએ અગાઉ કેન્યાના એક બિઝનેસમેન અલી પૂંજાણી સાથે લગ્ન કર્યા હતા જે બાદમાં છૂટાછેડામાં પરિણમ્યા હતા. આ પછી તે ભારત પાછી આવી ગઇ હતી. બોલીવૂડમાં તેની ચર્ચા હર્ષવર્ધન રાણે સાથેના સંબંધો માટે થતી હતી. પરંતુ વર્ષ 2020માં તેમનું બ્રેકઅપ થયું હોવાનું કહેવાય છે. જાણીતા ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસનું નામ સૌથી પહેલા મહિમા ચોધરી સાથે જોડાયું હતું પરંતુ પછી એવી ચર્ચા થઇ હતી કે, લિએન્ડરે મહિમા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેઓ અલગ થઇ ગયા હતા.