બ્રિટનમાં પોલીસને વધુ સત્તા આપતા ખરડા સામે શનિવાર, 3 એપ્રિલના રોજ સેન્ટ્રલ લંડનમાં યોજાયેલા ‘કિલ ધ બિલ’ વિરોધ પ્રદર્શન દરમિયાન હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ‘કિલ ધ બિલ’ પ્રદર્શન હિંસક બનતા પોલીસ અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. શાંતિના ભંગ, હિંસક અવ્યવસ્થા, પોલીસ અને કોવિડ કાયદાના ભંગ અને અપમાનજનક શસ્ત્ર રાખવાની શંકાના આધારે એક મહિલા સહિત 107 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
‘કિલ ધ બિલ’ વિરોધ પ્રદર્શન દરમિયાન મેટ્રોપોલિટન પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ભારે પ્રયાસ કર્યા હતા અને ટોળાએ પોલીસ પર હુમલા કર્યા હતા. શનિવારે થયેલી અથડામણમાં 10 અધિકારીઓ ઘાયલ થયા હતા. જો કે કોઇની ઇજાઓ ગંભીર હોવાનું માનવામાં આવતું નથી.
લંડનના પાર્લમેન્ટ સ્ક્વેરમાં શનિવારે પોલીસ અભિયાનનું નેતૃત્વ કરનાર કમાન્ડર એડેલેકને કહ્યું હતું કે ‘’મોટા ભાગના દેખાવકારોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ નિયમો અને પોલીસ ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતું, પરંતુ કેટલાક દેખાવકારોએ અધિકારીઓની વાત માનવાનો ઈનકાર કર્યો હતો. બપોર પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે થોડાક લોકોનો ઇરાદો અવરોધ ઊભો કરવાનો હતો. અધિકારીઓએ જતા રહેવા વારંવાર સૂચના આપવા છતાં, તેઓ ગયા નહોતા અવ્યવસ્થા ઉભી કરતાં તેમની ધરપકડ કરાઇ હતી. અમે ગુનાહિત કાર્ય કરનારા લોકોને મંજૂરી આપી શકીએ નહિં. અધિકારીઓ માટે તે એક બીજો પડકારજનક દિવસ રહ્યો હતો અને તેમના પ્રયત્નો બદલ હું તેમનો આભાર માનું છું.”
પોલીસિંગ ઓપરેશનના ભાગ રૂપે છરી મળી આવ્યા બાદ એક મહિલાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલિસીંગ કામગીરી ચાલુ જ છે અને આ ધરપકડનો આંક વધવાની સંભાવના છે.