દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ભારતીય મૂળની આઠ વર્ષની બાળકીનું અપહરણ અને આ કેસની તપાસમાં પોલીસની કથિત નિષ્ક્રિયતા પગલે ભારતીય સમુદાયના લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા.રાયલેન્ડ પ્રાઇમરી સ્કૂલની વિદ્યાર્થિની અબિરાહ દેખ્તાનું 4 નવેમ્બરની સવારે તેના સ્કૂલ ટ્રાન્સપોર્ટ વ્હિકલમાંથી કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ અપહરણ કર્યું હતું. તેના માતા-પિતા કેટલાક વર્ષો પહેલા ભારતમાંથી કેપટાઉનમાં સ્થાયી થયા હતા. તેના પિતા શહેરમાં મોબાઈલ ફોનની દુકાન ચલાવે છે.
10 દિવસ વીતી ગયા પછી પણ પોલીસ આ ઘટનાની તપાસ અંગે ચૂપ છે. તેના કારણે કેપટાઉનના ભારતીય પ્રભુત્વવાળા ઉપનગર ગેટ્સવિલેના રહેવાસીઓને અધિકારીઓ પાસેથી જવાબ માગવા દેખાવો કર્યા હતા.
ખંડણી માંગવામાં આવી છે કે કેમ તે અંગે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
અબીરાહની તાત્કાલિક અને સુરક્ષિત પરત લાવવાની અને અપહરણકર્તાઓની ધરપકડની માગણી સાથે સપ્તાહના અંતમાં બિઝનેસ માલિકો સાથે ગેટ્સવિલેના સેંકડો રહેવાસીઓએ એથલોનના પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી.
રાયલેન્ડ્સ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ “બ્રિન્ગ બેક અબિરાહ”, “બ્રિંગ બેક અવર ફ્રેન્ડના” પ્લેકાર્ડ સાથે પણ શાળાના મેદાન પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસીસ અને હોક્સ તપાસ એકમ બંનેના પ્રવક્તા કહે છે કે તેઓ કેસની સંવેદનશીલતા અને પીડિતને જોખમ હોવાને કારણે આ અંગે કોઈ માહિતી આપતા નથી.