પ્રત્યેક કલાકારને કારકિર્દીના કોઇક તબક્કે ચોક્કસ પ્રકારની ફિલ્મ કરવાની તમન્ના હોય છે. જ્યારે તેને એ પ્રકારની મૂવી કરવાની ઓફર મળે ત્યારે તે તેને હાથમાંથી જવા ન દે તે સ્વાભાવિક છે. કિયારા અડવાણી સાથે પણ કાંઇક આવું જ થયું હતું. તેને હોરર ફિલ્મોથી ડર લાગતો હોવા છતાં તે કોઇક વખત આવી ફિલ્મમાં કામ કરવા ઇચ્છતી જ હતી. આ કારણે જ ‘ભૂલભુલૈયા-૨’ મળી ત્યારે કિયારાઅ એ ફિલ્મ જતી કરવાની ભૂલ નહોતી કરી.
તાજેતરમાં પ્રદર્શિત થયેલી ‘ભૂલભૂલૈયા-૨’ માં કામ કરવાનું કારણ જણાવતાં કિયારા કહે છે કે મને આ પ્રકારની ફિલ્મોથી ડર લાગે છે. આમ છતાં 2007માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ‘ભૂલભુલૈયા’ મને બહુ ગમી હતી તેથી મને પણ આ પ્રકારની મૂવીમાં કામ કરવાની ઇચ્છા થઇ. જોકે તે તરત જ ઉમેરે છે કે આ ફિલ્મની કહાનીનું હાર્દ જાળવી રાખ્યું છે, પણ અમારી સિક્વલને નવા કથાનકમાં રજૂ કરવામાં આવી છે. તેમાં ‘મંજૂલિકા’નું નામ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે તેની કહાની સંપૂર્ણપણે અલગ છે. ‘ભૂલભુલૈયા’ કલ્ટ સિનેમા છે તેથી જ્યારે તમે તેનો બીજો ભાગ બનાવો ત્યારે તમે તેમાંથી માત્ર પ્રેરણા જ લઇ શકો, તેની નકલ ન કરી શકો. આ મૂવી સાઇકોલોજિકલ થ્રિલર નથી, પરંતુ હોરર કોમેડી છે.
આ ફિલ્મમાં તબુ અને કાર્તિક આર્યન કિયારાનાં સહકલાકારો છે. કિયારા કહે છે કે આ મૂવીમાં મેં એવી મહિલાની ભૂમિકા ભજવી છે જે મંજુલિકાની સઘળી શક્તિઓ ધરાવે છે. વિદ્યા બાલને આ રોલ પોતાની આગવી અદામાં ભજવ્યો હતો, પરંતુ કિયારાએ પણ તે ભૂમિકાને પોતાની રીતે ભજવવાની કોશિશ કરી છે. તે કહે છે કે, હું જ્યારે આ ફિલ્મ કરી રહી હતી ત્યારે ઘણા લોકોએ મને પૂછ્યું હતું કે વિદ્યા બાલન જેવી સફળ અભિનેત્રીએ આ ભૂમિકા ભજવી હતી. તો શું તને એવો ડર નથી કે તારી તુલના તેની સાથે કરાશે? પરંતુ કિયારાને ક્યારેય આવી ચિંતા નહોતી થઇ. તે કહે છે કે અમારી મૂવી ઓરિજિનલ ‘ભૂલભુલૈયા’ની રિમેક નથી. તે અલગ ફિલ્મ છે અને તેમાં હું વિદ્યા બાલને ભજવ્યું હતું એ જ પાત્ર ભજવતી નથી. અમે અમારી સ્ટોરી મુજબ અમારું શ્રેષ્ઠ કામ આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં જે હવે પડદા પર દેખાઇ રહ્યું છે. તે વધુમાં કહે છે કે હું આ ફિલ્મ એટલા માટે પણ કરવા ઇચ્છતી હતી કે તે દર્શકો સપરિવાર જોઇ શકે તેવી રીતે બનવાની હતી.