ખેતી બેન્કની શનિવારે થયેલી ચૂંટણીમાં ગત મુદતના ચેરમેન રેન ચૌધરીને 3 મતથી કારમો પરાજય થયો હતો. આ સાથે જ 21 બેઠક માટે યોજવામાં આવેલી ચૂંટણીમાં ભાજપને ફાળે 14 અને કોન્ગ્રેસને ફાળે 4 બેઠક આવી છે. સરકારની ત્રણ બેઠક છે, જે ચૂંટાયેલા બોર્ડની તરફેણમાં જ રહેશે, કારણ કે રાજ્યમાં ભાજપની જ સરકાર છે.
ખેતી બેન્કની ચૂંટણી માટે મતદાન થયું તે પહેલા 11 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના ચૂંટાયેલા ડિરેક્ટર્સમાં ડોલર કોટેચા, જશા બારડ, જેઠા ભરવાડ, બ્રિજરાજસિંહ જાડેજા, મંગળસિંહ પરમાર, કાનભા ગોહિલ, જીવા આહિર, ગણપતસિંહ સોલંકી, હરેદેવસિંહ જાડેજા, ફલજી પટેલ, સુરેશ પટેલ, અનિરૂદ્ધ દવે, રાજીમી ચૌધરી, જિગ્નેશ ઠાકોરનો સમાવેશ થાય છે.
ગુજરાતના સહકાર સેલના નવા નિયુક્ત થયેલા પ્રમુખ બિપીન પટેલના નેતૃત્વમાં લડાયેલી આ ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો વિજયી થયા છે. જ્યારે કોન્ગ્રેસના ચાર વિજયી ઉમેદવારોમાં વીરજી ઠુમ્પર, કિશોરસિંહ ગોહિલ, ગોવા દેસાઈ અને નટવરસિંહ મહીડાનો સમાવેશ થાય છે.