ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે (13 નવેમ્બર) રાષ્ટ્રપતિ ભવનમાં યોજાએલા સમારંભમાં દેશના વિવિધ ક્ષેત્રના ખેલાડીનો જુદા જુદા એવોર્ડ્સથી સન્માન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી રેકોર્ડ સર્જનારા નીરજ ચોપડાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો. કુલ 12 ખેલાડીઓને આવો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અપાયો હતો. નીરજ ઉપરાંત આ એવોર્ડ પ્રાપ્ત કરનારાઓમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા કુશ્તીબાજ રવિ દહિયા, બ્રોન્ઝ વિજેતા બોક્સર લવલીના બોરગોહેન, અનુભવી ગોલકીપર શ્રીજેશ પીઆર, અવની લખેરા, સુમિત અંતિલ, પ્રમોદ ભગત, મનીષ નરવાલ, મિતાલી રાજ, સુનીલ છેત્રી તથા ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનો સમાવેશ થાય છે.
ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું પણ અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તો ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને પણ અર્જુન એવોર્ડ અપાયો હતો.
અર્જુન એવોર્ડ વિજેતાઓમાં મહિલા હોકી ખેલાડી વંદના કટારિયા, મોનિકા, કબડ્ડી ખેલાડી સંદી નરવાલ, શૂટર અભિષેક વર્મા અને પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ યતિરાજ છે. સુહાસે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં સિલ્વર મેળવ્યો હતો.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જયંતિએ ર 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પ્રસંગે એનાયત કરાય છે, પરંતુ આ વખતે તે દિવસોમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સ્પર્ધાઓ હોવાના કારણે આ સમારંભ પાછો ઠેલાયો હતો.