કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ કરનારા ખેલાડીઓને બુધવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં આ વિજેતા ખેલાડીઓના સન્માનના સમારોહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાને કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં ટેબલ ટેનિસ રમતમાં ટિમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ.૩પ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો. પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ.રપ લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ.૧૦ લાખની પુરસ્કાર રકમનો ચેક અર્પણ કર્યા હતા. તેમણે આ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાશિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા.
રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે. તેમણે આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યુ છે.