ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરૂ કર્યું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં આ વર્ષે ૩ જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે ૧૦ લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૪૦.૪૬ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૦.૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫.૯૭ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૭.૦૭ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ કુલ ૨૦.૨૫ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું ૧૫.૨૬ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે ૫ લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.
કપાસ પછી રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ ૧૫.૧૧ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૧.૦૨ લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે ૪ લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન ૧૦.૧૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે ૩ લાખ હેકટરના વધારા સાથે અત્યારસુધીમાં કુલ ૧૩.૨૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.