1920માં વુલ્વરહેમ્પ્ટનમાં બંધાયેલા સેમિ ડીટેચ્ડ હાઉસમાં વસતા 68 વર્ષના ખંડુભાઇ પટેલને તેમના ઘરના બગીચામાં આવેલું રહસ્યમય મેનહોલનું ઢાંકણુ ઉપાડીને જોતાં તેમાંથી મોટુ ભોંયરૂ મળી આવ્યું હતું. બની શકે છે કે ઘરના અગાઉના માલિકે વિશ્વ યુધ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા મોટા હવાઈ હુમલા વખતે આશ્રય લેવા આ ભોંયરૂ બનાવ્યું હશે.
ખંડુભાઇ અને તેમના મિત્રએ બગીચાને ખોદી કાઢીને સીડી શોધી હતી અને તપાસ કરતા આખું શેલ્ટર મળ્યું હતું. આ ભોયરામાં 40 લોકો સમાઇ શકે છે.
શ્રી પટેલે જણાવ્યું હતું કે તેમણે એ ભોંયરાની દિવાલો રંગીને ટેબલ-ખુરશી મૂકી કેટલીક લાઇટ લગાવી તેને બાર રૂમમાં ફેરવી દીધું છે અને કોવિડ-19ના રેસ્ટ્રીક્શન હટશે પછી તેઓ પોતાના કુટુંબ સાથે બારની મોજ માણશે. શ્રી પટેલ અને તેમની પત્ની 62 વર્ષીય ઉષા 40 વર્ષથી આ મકાનમાં વસતા હતા પણ કદી તેમને ખબર પડી નહોતી.