પાકિસ્તાનનના ન્યૂક્લિયર બોંબના પિતા ગણાતા કુખ્યાત અણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદીર ખાનનું રવિવારે ઇસ્લામાબાદમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. ખાન 85 વર્ષના હતા. ખાને ગુપ્ત અણુ સંવર્ધન પ્રોગ્રામ હેઠળ હેઠળ બોંબ બનાવ્યો હોવાનું કહેવામાં આવે છે. અણુ પ્રસારમાં વિવાદાસ્પદ ભૂમિકા માટે પણ ખાન કુખ્યાત હતા.
ભારત-પાકિસ્તાનનના ભાગલા પહેલા ખાનનો જન્મ 1936માં ભોપાલમાં થયો હતો અને 1947માં ભાગલા વખતે પોતાના પરિવાર સાથે પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનની સમાચાર સંસ્થા એસોસિયેટેડ પ્રેસ ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ ખાનને 26 ઓગસ્ટે ખાન રિસર્ચ લેબોરેટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. વાઇરસમાંથી રિકવર થયા બાદ ડિસચાર્જ કરાયા હતા. જોકે શ્વાસ લેવામાં તકલીફ થતાં સવારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તબિયત કથળી હતી.