કેનેડાના ટોરન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કથિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારત વિરોધી સૂત્રો લખાયા હોવાની નિંદનીય ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયા પર મંદિરના વીડિયો વાયરલ થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરની દીવાલ પર ખાલિસ્તાન સમર્થન નારાઓ લખવામાં આવ્યા છે. આ ઘટના 13મી સપ્ટેમ્બરની હોવાનું માનવામાં આવે છે.
ભારતીય હાઈકમિશને આ ઘટનાની આકરી નિંદા કરી હતી અને કેનેડા સરકાર સમક્ષ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં કરવાની માગણી કરી હતી.
કેનેડા સ્થિત ભારતીય હાઈકમિશને બુધવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ટોરન્ટોમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર જે ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા છે તેની અમે નિંદા કરીએ છીએ. અમે કેનેડાના સત્તાવાળાને વિનંતી કરી છે કે ઘટનાની તપાસ કરવામાં આવે અને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.
બ્રેમ્પ્ટનનાના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા ટ્વીટ કર્યું હતું કે ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની ઘટના વિશે સાંભળીને ઘણી નિરાશા થઈ છે. આ પ્રકારની નફરતને GTA અથવા કેનેડામાં કોઈ સ્થાન નથી. આ માટે જવાબદાર ગુનેગારોને પકડીને સજા આપવામાં આવે તેવી આશા છે.
ભારતીય મૂળના કેનેડાના એક પ્રધાન ચંદ્ર આર્યાએ જણાવ્યું હતું કે કેનેડામાં રહેતા ખાલિસ્તાની તત્વોએ ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં કરેલા કૃત્યની ટીકા તમામ લોકોઓ કરવી જોઈએ. આ એકમાત્ર ઘટના નથી. છેલ્લાં ઘણાં સમયથી કેનેડામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેનેડામાં વસતા હિન્દુઓ આ બાબતે ખરેખર ચિંતામાં છે.
બ્રેમ્પ્ટન સાઉથના પ્રતિનિધિ સોનિયા સિદ્ધુએ જણાવ્યું હતું કે કે, સ્વામિનારાયણ મંદિરમાં થયેલા આ કૃત્ય હું ઘણી દુખી થઈ છું. આપણે એક વૈવિધ્યસભર સંસ્કૃતિમાં રહીએ છીએ, જ્યાં પ્રત્યેક વ્યક્તિને સુરક્ષિત અનુભવ થવો જોઈએ. આ ઘટનાના જવાબદાર લોકોને સજા આપવામાં આવશે.
બીએપીએસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે કેનેડાના ટોરન્ટો શહેર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોએ કરેલ ભારત વિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ છીએ. વિશ્વભરમાં વ્યાપેલા અન્ય બી.એ.પી.એસ. મંદિરોની જેમ જ, આ બી.એ.પી.એસ. મંદિર પણ શાંતિ, સંવાદિતા, સમરસતા, સંસ્કાર, નિસ્વાર્થ જનસેવા તેમજ વૈશ્વિક હિન્દુ મૂલ્યોનું ધામ છે. આવા સંસ્કૃતિ-ધામ પર આવેલી આ વિકટ વેળાએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે હરિભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા હાર્દિક અપીલ કરી છે. આ વિકટ વેળાએ સહયોગ અને સહાનુભૂતિ આપવા બદલ ભારત અને કેનેડા સરકાર તેમજ તમામ સંસ્થાઓના અમે આભારી છીએ. આવો, સૌનું ભલું થાય એ ભાવના સાથે આપણે વ્યક્તિગત રીતે અને પોતપોતાના ઘરમંદિરમાં પ્રાર્થના કરીએ કે પરમાત્મા આપણને સૌને સૌનું ભલું કરવાની અને ભલું ઇચ્છવાની વધુ શક્તિ અને પ્રેરણા આપે.