સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટમાં ખાલિસ્તાની સમર્થકોએ આગચંપી કરી હતી. (PTI Photo)(PTI07_04_2023_000011B)

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર રવિવારે ખાલિસ્તાની અલગતાવાદીઓએ હુમલો કર્યો હતો તથા તેમાં તોડફોડ અને આગચંપી કરી હતી. અમેરિકાના અને ભારતે આ હુમલાની આકરી નિંદા કરી હતી. સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે ઝડપથી કોન્સ્યુલેટમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી. આ ઘટના અંગે સ્થાનિક, રાજ્ય અને ફેડરલ સત્તાવાળાઓને જાણ કરાઈ હતી. હુમલામાં કોઈ મોટા નુકસાન અથવા ઈજાની માહિતી મળી શકી નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, “અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુએસમાં રાજદ્વારી સુવિધાઓ અથવા વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે.”

સાન ફ્રાન્સિસ્કો સ્થિત દિયા ટીવીએ શેર કરેલા વીડિયોમાં દૂતાવાસમાં આગ લાગતી દર્શાવવામાં આવી છે અને તેના પર “હિંસાથી હિંસા પેદા થાય છે” એવા શબ્દો છે. વીડિયોમાં અખબારની ક્લિપિંગ્સ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુની માહિતી હતી. નિજ્જર ખાલિસ્તાન તરફી સંગઠનો ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ની કેનેડિયન શાખાનો વડો હતો. ગયા મહિને કેનેડામાં તેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. 46 વર્ષીય નિજ્જર જલંધરનો વતની હતો અને તેના પર કેનેડા સ્થિત સૌથી જૂના ખાલિસ્તાની આતંકવાદી જૂથોમાંના એક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ને આર્થિક મદદ કરવાનો આરોપ હતો.

આ ઘટના પછી કેનેડામાં ખાલિસ્તાન તરફી લોકોએ “સ્વતંત્રતા રેલી” કાઢવાની જાહેરાતા કરાઈ હતી. સ્વતંત્રતા રેલી માટેના પોસ્ટરોમાં ઓટાવામાં ભારતના રાજદૂત અને ટોરોન્ટોમાં કોન્સ્યુલ જનરલને ધમકીઓ આપવામાં આવી છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે ગઈકાલે કહ્યું હતું કે “કટ્ટરપંથી, ઉગ્રવાદી” ખાલિસ્તાની વિચારધારા ભારત અથવા તેના યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદાર દેશો માટે સારી નથી. અમે કેનેડા, યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે ખાલિસ્તાની પ્રવૃત્તિઓ માટે જગ્યા ન આપે.

LEAVE A REPLY