ઓકલેન્ડ સ્થિત ભારતીય મૂળના રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યાના પ્રયાસ બદલ ત્રણ ખાલિસ્તાન સમર્થકોને કોર્ટે સજા ફટકારી હતી. હરનેક સિંહ ખાલિસ્તાનની વિચારધારા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતાં અને તેથી તેમની હત્યાનું કાવતરુ ઘડાયું હતું.
27 વર્ષીય સર્વજીત સિદ્ધુએ હત્યાના પ્રયાસનો ગુનો કબૂલ કર્યો હતો, જ્યારે 44 વર્ષીય સુખપ્રીત સિંહને સહાયક હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ત્રીજી વ્યક્તિનું નામ જાહેર કરાયું ન હતું, પરંતુ તે 48 વર્ષીય ઓકલેન્ડ નિવાસી છે. તેને હરનેક સિંહ સામે હુમલાની યોજના ઘડી હતી. ન્યાયાધીશ માર્ક વૂલફોર્ડે કમ્યુનિટી સુરક્ષા અને ધાર્મિક કટ્ટરતાના મજબૂત વિરોધની જરૂરિયાત દર્શાવી હતી.
આ હુમલો 23 ડિસેમ્બર, 2020એ થયો હતો. હરનેક સિંહને તેમના ડ્રાઇવ વેમાં ધાર્મિક કટ્ટરપંથીઓના જૂથે ઘરી લઇને છરાના 40 થી વધુ ઘા માર્યા હતા અને તેમને સાજા થવા માટે 350થી વધુ ટાંકા અને બહુવિધ સર્જરી કરાવવી પડી હતી.
હુમલા પાછળના 48 વર્ષીય માસ્ટરમાઇન્ડને સાડા 13 વર્ષની સજા મળી હતી, જેમાં પેરોલ પાત્રતા પહેલા ઓછામાં ઓછી નવ વર્ષની જેલની સજા થઈ હતી. સર્વજીત સિદ્ધુને સાડા નવ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે સુખપ્રીત સિંહને છ મહિનાની ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જગરાજ સિંહ અને ગુરબિન્દર સિંઘને અપૂરતા પુરાવાઓને કારણે નિર્દોષ જાહેર કરાયા હતા. જ્યારે અન્ય બે આરોપી જોબનપ્રીત સિંહ અને હરદીપ સિંહ સંધુને આગામી વર્ષે સજાની જાહેરાત કરાશે.