કેલિફોર્નિયાના હેવર્ડમાં એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો અને તેની દિવાલો પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખીને વિકૃત કરાઈ હતી. શેરાવાલી મંદિરની આ ઘટના કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર પરના હુમલાના થોડા સપ્તાહો પછી બની છે. તેથી હિન્દુ સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ X પર આ અંગેનો ફોટો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે ખાલિસ્તાની તરફો સૂત્રો લખીને બે એરિયાના બીજા હિન્દુ મંદિર પર હુમલો થયો છે. બે સપ્તાહ પહેલા સ્વામિનારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો. અગાઉ આ જ વિસ્તારમાં શિવ દુર્ગા મંદિરમાં ચોરી થઈ છે. HAF મંદિરના આગેવાનો અને પોલીસના સંપર્કમાં છે.
HAF એ ખાલિસ્તાનીઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા કેમેરા અને એલાર્મ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ડિસેમ્બરમાં ખાલિસ્તાની તત્વોએ નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને કથિત રીતે વિકૃત કર્યું હતું, પોલીસે જણાવ્યું હતું. હિંદુ મંદિરની બહારની દિવાલને ભારત વિરોધી સૂત્રોથી વિકૃત કરવામાં આવી હતી.
નેવાર્ક પોલીસ સર્વિસે તોડફોડની તપાસ શરૂ કરી હતી.
મંદિરના પ્રવક્તા ભાર્ગવ રાવલે જણાવ્યું હતું કે, મંદિરની નજીક રહેતા એક શ્રદ્ધાળુને ઇમારતની બહારની દિવાલ પર કાળી શાહીથી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો જોવા મળ્યાં હતા અને સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મંદિરના સત્તાવાળાઓ દિવાલ પર ભારત વિરોધી લખાણો જોઈને ચોંકી ગયા હતા. નેવાર્ક શહેરના પોલીસ કેપ્ટન જોનાથન અર્ગ્યુએલોએ જણાવ્યું હતું કે “ટાર્ગેટેડ કૃત્ય”ની તપાસ હાથ ધરાઈ છે. અમે નેવાર્કમાં આવા કૃત્યને સહન કરીશું નહીં.