તાલિબાનીઓમાં મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની કાબૂલમાં જાહેરમાં જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખલીલ હક્કાનીના પર અમેરિકાએ 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યુ છે. કહેવાય છે કે શનિવારે સવારે હક્કાનીએ કાબૂલની પુલ-એ-ખિશ્તી મસ્જિદમાં લોકોને તાલિબાન પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન લગભગ 100 લોકો મસ્જિદમાં હાજર રહ્યા. શપથ બાદ આતંકી ખલીલ હક્કાનીએ કહ્યું કે, અફઘાનિસ્તાનની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે. સુત્રોના જણાવ્યા મુજબ હક્કાનીએ જણાવ્યું હતું કે, સુરક્ષા વગર જીવન ચાલશે નહીં. અમે સુરક્ષા આપીશું. અફઘાનિસ્તાનના લોકોના વેપાર અને શિક્ષણ માટે પણ અમે કામ કરીશું. મહિલાઓ અને પુરૂષોમાં ભેદભાવ રાખવામાં આવશે નહીં.
જ્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનો કબ્જો થયો છે ત્યારથી ત્યાંના રસ્તા પર આતંકીઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. કાબૂલમાં આતંકીઓ જાહેરમાં હથિયાર લટકાવીને ફરી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. તાલિબાનીઓ છેલ્લા કેટલાક સમયથી અમેરિકી સૈનિકોની મદદ કરનારા લોકોને શોધી રહ્યા છે.
મસ્જિદમાં ખલીલ હક્કાનીનુ ભાષણ પૂર્ણ થયું ત્યાં હાજર લોકોએ તાલિબાન અને હક્કાનીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ખલીલનો સંબંધ હક્કાની નેટવર્ક સાથે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વ્યાપ વધારવામાં હક્કાની નેટવર્કનું મોટું યોગદાન માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જલાલુદ્દીન હક્કાનીએ પોતાના હક્કાની નેટવર્કની સ્થાપના વર્ષ 1970માં કરી હતી. કહેવાય છે કે વર્ષ 2001માં હક્કાની નેટવર્કે જ ઓસામા બિન લાદેનને ભગાડવામાં મદદ કરી હતી.