ગુજરાતના જાણીતા ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું રવિવાર વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી. ધનતેજવીના જાણીતા ગઝલસંગ્રહમાં સાદગી, સારાંશ અને સરોવરનો સમાવેશ થાય છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે.
12 ડિસેમ્બર 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં જન્મેલ ખલીલ ઈસ્માઈલ મકરાણી જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેઓ ખલીલ ધનતેજવીના ઉપનામથી ઓળખાતા હતા. તેમને 2004 માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા.