ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 11.55 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 92 વર્ષ હતી. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયો હતો અને સારવાર લીધી હતી. જોકે ગુરુવારે તબિયત એકાએક લથડી હતી અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. કેશુભાઇ પટેલના અવસાનને પગલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓએ તેઓ ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
ભાજપના પીઢ નેતા કેશુભાઈની તબિયત લથડતાં 10 દિવસ પહેલાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.
બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા.વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી.
છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર રહી ચૂક્યા છે. 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્યપ્રધાન પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી કરી ન હતી.
કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલા બેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. 2017માં તેમના પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું.