દિલ્હીની આપ સરકાર સામે નવેસરથી મુસીબત ઊભી થઈ છે. ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકારની એક્સાઇઝ પોલિસીની સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. આ નીતિમાં નિયમોના કથિત ભંગ અનો પોસિજરની ઉણપોને પગલે આ તપાસની ભલામણ કરાઈ છે. જોકે મુખ્યપ્રધાન કેજરીવાલે તેમના ડેપ્યુટી મનીષ સિસોદિયાને કટ્ટર ઇમાનદાર ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં સિસોદિયાને ફેક કેસમાં ફીટ કરીને ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિનાના પ્રારંભમાં દિલ્હીના મુખ્ય સચિવના એક રીપોર્ટને આધારે સીબીઆઇ તપાસની ભલામણ કરાઈ છે. આ રીપોર્ટમાં જણાવાયું છે કે એક્સાઇઝ નીતિ મારફત શરાબ લાઇન્સધારકોને ટેન્ડર પછીના અયોગ્ય લાભ આપવા માટે ઇરાદાપૂર્વક અને સરેરાશ પ્રોસિજરનું ઉલ્લંઘન કરાયું હોવાના પ્રાથમિક પુરાવા મળે છે. આ રીપોર્ટની નકલ સીએમને પણ મોકલાઈ હતી.
દિલ્હી સરકારમાં એક્સાઇઝ પ્રધાન તરીકે સિસોદિયા તપાસના ઘેરાવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેજરીવાલથી ભયભીત છે અને આપ નેતાઓ સામે વધુ ફેક કેસ કરવામાં આવશે, કારણ કે પાર્ટી દેશભરમાં તેના પ્રભાવમાં વધારો કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આપ સરકારમાં ટોચના રાજકીય લેવલે નાણાકીય આપ-લેના નોંધપાત્ર સંકેત મળ્યા છે. એક્સાઇઝ પ્રધાને કાનૂની જોગવાઈનો ભંગ કરીને મોટા નિર્ણય લીધા હતા અને તેના મોટા નાણાકીય સૂચિતાર્થ છે. તેમણે ટેન્ડર પછી શરાબ લાઇસન્સ ધારકોને અયોગ્ય નાણાકીય લાભ આપ્યા હતા અને તેનાથી સરકારની તિજોરીને જંગી નુકસાન થયું છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કોરોના મહામારીને બહાને ટેન્ડર્ડ લાઇસન્સ ફીમાં લાઇસન્સ ધારકોના રૂ.144.36 કરોડ માફ કર્યા હતા.