સુપ્રીમ કોર્ટે તરફથી રચવામાં આવેલી સમિતિએ શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીની બીજી લહેર દરમિયાન દેશભરમાં મેડિકલ ઓક્સિજનની અભૂતપૂર્વ અછત સર્જાઇ હતી ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારે પોતાની જરુરિયાત કરતા ચાર ગણા વધુ ઓક્સિજનની માગણી કરી હતી.
ઓક્સિજન ઓડિટ સમિતિએ પોતાના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી સરકારને જરુરિયાત કરતાં વધુ ઓક્સિજનની સપ્લાય કરવાને કારણે દેશા અન્ય 12 રાજ્યોમાં ઓક્સિજનની અછતનું સંકટ ઘેરાયું હતું.
સુપ્રીમ કોર્ટમાં સુપરત કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે “દિલ્હીમાં ઓક્સિજનની હકીકતમાં જરુરિયાત અને માગવામાં આવેલા ઓક્સિજન વચ્ચે મોટો તફાવત હતો. બેડ કેપેસિટીના આધારે નિશ્ચિત કરવામાં આવેલા ફોર્મ્યુલા મુજબ દિલ્હીને 300 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ દિલ્હી સરકારે 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની જરુરિયાત હોવાનો દાવો કર્યો હતો. જે દિલ્હીની હકીકતમાં જરુરિયાત કરતા ચાર ગણો વધુ હતો.”