
કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે કેરળ સરકારે ગુરુવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન 8 મેથી 16 મે સુધી નવ દિવસ માટે અમલમાં રહેશે. બુધવારે કેરળમાં અત્યાર સુધીના સૌથી વધુ 41,953 કેસ નોંધાયા હતા.
આ અગાઉ પણ કેરળમાં કેટલાક કડક નિયંત્રણો અમલમાં હતા, લોકોના કારણ વિના ટ્રાવેલ કરવા ઉપરાંત ઓફિસમાં અડધા સ્ટાફને જ આવવાના નિયમોનો સમાવેશ થાય છે. જોકે, આ નિયંત્રણો છતાંય કોરોનાના ડેઈલી કેસોનો આંકડો ઘટવાનુ નામ ના લઈ રહ્યો હોવાના કારણે સરકારની હેલ્થ એક્સપર્ટ કમિટિ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ઓછામાં ઓછું એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી.
કેરળનો સમાવેશ હાલ દેશના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં થાય છે. અહીં હાલની તારીખે 3.75 લાખ જેટલા એક્ટિવ કેસ છે, જે દેશમાં ત્રીજા નંબરે છે. એટલું જ નહીં, કેરળમાં પોઝિટિવિટી રેટ પણ 25.69 ટકા જેટલો ઉંચો છે. હોસ્પિટલમાં એડમિટ થઈ રહેલા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રચંડ દબાણ હેઠળ આવી ગયું છે.
રાજ્યના મુખ્યપ્રધાન પી. વિજયનના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોના 61 ટકા ઓક્સિજન બેડ અને હોસ્પિટલોના 51.28 ટકા ઓક્સિજન બેડ ફુલ થઈ ગયા છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવા માટે માંડ 33 ટકા બેડ જ બચ્યા છે.
