વિશ્વભરના મુલાકાતીઓને કેન્યાની મુલાકાત લેવા માટે હવે વિઝાની જરૂર પડશે નહીં. આ પહેલનો જાન્યુઆરી 2024થી અમલ થશે. પર્યટન અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલામાં કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રુટોએ 12 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે વિશ્વભરના મુલાકાતીઓને હવે જાન્યુઆરીથી દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર રહેશે નહીં.
કેન્યાએ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવીને એન્ટ્રી પ્રોસેસને સરળ બનાવી છે. પ્રમુખ રૂટોએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન ઈશ્યુ કરવામાં મદદ કરશે અને વિઝા અરજીની જટિલ પ્રક્રિયાને દૂર કરશે.
બ્રિટનથી કેન્યાની આઝાદીના 60 વર્ષ પૂરા થવા અંગેના એક કાર્યક્રમમાં બોલતા રૂટોએ જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણેથી કોઈપણ વ્યક્તિએ વિઝા અરજી કરવી પડશે નહીં. રૂટો લાંબા સમયથી આફ્રિકન ખંડમાં વિઝા-મુક્ત મુસાફરીની હિમાયત કરી રહ્યાં છે. વૈવિધ્યસભર કુદરતનું ર્દશ્ય અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત કેન્યા ટુરિઝમ પર મોટો મદાર રાખે છે.