કેન્યાના રિફ્ટ વેલી ટાઉન લોન્ડિયામાં પુરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકે શુક્રવારની સાંજે બીજા અનેક વાહનો અને વેપારીઓને હડફેડે લેતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 51 લોકોનો મોત થયાં હતાં અને 32 લોકોને ઇજા થઈ હતી. કેન્યાની રાજધાની નૈરોબીથી 200 કિમી દૂર આવેલું આ શહેર અકસ્માત માટે કુખ્યાત છે. પોલીસે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીને અસર થઈ હતી અને હજુ કેટલાંક લોકો વાહનોમાં ફસાયેલા હોવાની આશંકા છે. પરિવહન પ્રધાન કિપચુમ્બા મુરકોમેને શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે સરકાર આવા ભાવિ અકસ્માતોને રોકવા માટે બજારોને હાઇવેથી દૂર સ્થાનાંતરિત કરશે.