આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલા કેસમાં પોલીસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની શનિવારે સીએમ નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. તીસ હજારી કોર્ટે બિભવની આગોતરા જામીન અરજી પણ નકારી દીધી હતી. આમ તેમને જેલમાં જવું પડ્યું છે. બિભવ કુમારની ધરપકડની પગલે AAP અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કુમારની હાજરી વિશે જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનની એક ટીમ તેમને પકડવા માટે મોકલવામાં આવી હતી.બિભવ કુમારની શનિવારે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેમ ગયા હતા તેની પૂછપરછ કરાઈ હતી. પોલીસને શંકા છે કે તેઓ પુરાવા સાથે ચેડા કરવા આવ્યા હશે. પોલીસે એફઆઈઆર દાખલ કરતી વખતે તેઓ ક્યા હતા તેની પણ પૂછપરછ કરી હતી.
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલ સામેના ષડયંત્રનો ભાગ બનવા માટે ભાજપે માલીવાલને બ્લેકમેલ કર્યા હતા, કારણ કે માલીવાલ ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહ્યાં છે. ભાજપ પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા તથા દિલ્હીના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને પણ જેલમાં મોકલવા માંગે છે.
ભાજપે વળતો હુમલો કરતાં AAP પર બિભવ કુમારનો નિર્લજ્જ બચાવ કરવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે કેજરીવાલ બિભવ કુમારને બચાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, કારણ કે તેઓ સીએમના નુકસાનકર્તા રહસ્યોનો પર્દાફાશ કરી શકે તેમ છે.
પોલીસે મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સહિત ઓછામાં ઓછા 10 લોકોના નિવેદન નોંધ્યા છે
રાજ્યસભાના સાંસદ માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેના રોજ તેઓ મુખ્યપ્રધાનને મળવા ગયા હતા ત્યારે મુખ્યપ્રધાનના સહાયકે તેમના પર સંપૂર્ણ તાકાતથી હુમલો કર્યો હતો. તેમના ચહેરા પર થપ્પડ મારી હતી તથા છાતી અને પેટમાં લાત મારી હતી. શુક્રવારે AIIMSમાં માલીવાલની મેડિકલ તપાસ કરાઈ હતી. મેડિકો-લીગલ સર્ટિફિકેટ (MLC) મુજબ માલીવાલના ડાબા પગર પર 3×2 સેમીના અને જમણી આંખની નીચે જમણા ગાલની પર ઉઝરડા પડ્યાં હતા. માલીવાલે તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું.