ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહિનામાં ચોથી વખત રાજ્યની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વેરાવળમાં સોમવારે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. જાહેરસભામાં કેજરીવાલે વચનનોની લ્હાણી કરી હતી અને ભાજપ સામે પ્રહારો કર્યાં હતા. તેમને સોફ્ટ હિન્દુત્વ અપનાવીને સોમનાથ મંદિરમાં પૂજા કરી હતી અને જય સોમનાથના નારા સાથે ભાષણ ચાલુ કર્યું હતું.
રાજ્યના બેરોજગાર યુવાનો માટે રોજગારી ગેરંટીનું વચન આપતાં તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં આપની સરકાર રચાશે તો દરેક બેરોજદારને નોકરી મળશે. જેમને રોજગારી નહીં મળે તેમને દર મહિને રૂ.3000નું બેરોજગારી ભથ્થુ આપવામાં આપવમાં આવશે.
ભાષણની શરૂઆતમાં ગુજરાતના લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે દારૂના લીધે મૃત્યું પામેલા લોકોની મુલાકાતે ગુજરાતના મુખ્યપ્રધાન ગયા નથી, જે ઘણું બધું કહી રહ્યું છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો નશાનો ધંધો છે.જે લોકો પોતાના બાળકોને ઝેરી શરાબ પીવડાવવા માંગે છે તે લોકો ભાજપને મત આપજો અને જે લોકોની સારી સુવિધા, રોજગાર જોઈએ છે તે અમને (આપ પાર્ટીને) મત આપજો. આજે હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું.
તેમણે સરકારી નોકરીઓની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવવાની, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગને ડામવાનું પણ વચન આપ્યું હતું. ભાજપ સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે હું વીજળી, શિક્ષણ ફ્રીમાં આપું છું તો મફતમાં રેવડી વેચવા આવ્યો તેવું કહે છે. હું જનતાને ફ્રીમાં રેવડી વેચું છું, જ્યારે તેઓ તેમના મિત્રોને ફ્રીમાં રેવડી આપે છે.