તાજેતરની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક પર વિજય સાથે ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર પ્રવેશ કરનારી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે સુરતમાં સાત કિમી લાંબો રોડ શો કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. રોડ શો બાદ તેમણે સુરતના તક્ષશિલા વિસ્તારમાં એક જાહેરસભાની સંબોધન કરીને મતદાતાનો આભાર માન્યો હતો અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને 5 વર્ષ આપો. તમે અગાઉના 25 વર્ષના ભાજપના શાસનને ભૂલી જશો. દિલ્હી મોડલનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે અમે સત્તા પર આવીશું તો સુરતની જનતાને દિલ્હી માફક જ તમામ સુવિધાઓ મળશે.
ભાજપ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો 10 અને 12 ધોરણ પાસ કર્યા બાદ એડમિશન માટે ધક્કા ખાય છે. કોલેજમાં એડમિશન થઈ જાય તો નોકરી માટે ધક્કા ખાઈ રહ્યા છે. 25 વર્ષમાં ભાજપે યુવાનોને નોકરી કેમ ન આપી? આ લોકો જે 25 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કરીને બતાવી દીધું છે. ગુજરાતમાં એમને પાંચ વર્ષ આપો, તમે ભાજપના 25 વર્ષ ભૂલી જશો.
કેજરીવાલે તેમના સમર્થકોને જણાવ્યું હતું કે આપણે 27 છીએ અને તેઓ 93 છે. આંકડા મહત્ત્વના નથી. અમારી પાર્ટીમાં એક વ્યકિત 10 હરીફો માટે પૂરતો છે. સુરતના લોકોએ તમને વિરોક્ષ પક્ષની ભૂમિકા આપી છે. તેમને કંઇ ખોટુ કરવા દેશો નહીં.
રોડ શો પહેલા નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને કેજરીવાલે ઓફિસ ખોલવા, લોકોને ફોન નંબર આપવા અને રાત્રે બે વાગ્યે પણ મદદ કરવા તૈયાર રહેવાનો અનુરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાત મહાનગરપાલિકીની ચૂંટણી લડીને કુલ 470 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.