ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે ભૂજ ખાતે એક કાર્યક્રમમાં દર બાળકોને ફ્રી શિક્ષણ સહિત શિક્ષણ માટે પાંચ ચૂંટણી વચનો આપ્યા હતા. કેજરીવાલે કુલ પાંચ વચનો આપ્યા હતા, જેમાં સારુ અને મફત શિક્ષણ, શાળાઓમાં સુધારો, ખાનગી સ્કૂલોને ફી પર અંકુશ, તમામ પ્રવાસી શિક્ષકોને કાયમી કરવાનો સમાવેશ થાય છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે,જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રાજ્યમાં જન્મ લેનાર દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું. આ પહેલા કેજરીવાલ ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું વચન આપી ચુક્યા છે.
કેજરીવાલે જણાવ્યું કે, સરકારી શાળાઓની હાલત કથળેલી છે. તેમાં સુધારા કરવાની જરૂર છે. ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું. વિદ્યા સહાયકના ઘણા મુદ્દા છે તો તેમને કહેવા માગુ છું કે, વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, ત્રણ મહિનામાં અમારી સરકાર બનશે તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું. આટલી મોટી માત્રામાં એક પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય છે તે ચિંતાનો વિષય છે. અહીં પ્રાઇવેટ નહીં પણ સરકારી સિક્યોરિટી હોવી જોઇએ. તપાસ થાય તો તપાસમાં શું નીકળ્યું તે જાણવા મળવું જોઇએ કે કેટલો જથ્થો હતો અને જવાબદાર કોણ હતું.
અરવિંદ કેજરીવાલની સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, કૈલાશ ગઢવી, ગુલાબસિંહ યાદવ અને મનોજ સોરઠીયા સહિતના આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.