ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો લોકોને ફ્રી વીજળી મળશે.
કેજરીવાલની હાજરીમાં અમદાવાદમાં AAP દ્વારા વીજળી સંવાદનું આયોજન કરાયું હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ વીજળી સસ્તી થઈ શકે છે, 24 કલાક મળી શકે છે અને ફ્રી વીજળી મળી શકે છે. શરત માત્ર એટલી છે કે રાજ્યમાં સત્તા બદલવી પડશે અને ઈમાનદાર સરકારને લાવવી પડશે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં પ્રધાનો એશ કરે છે, તેમનું વીજળીનું બિલ ઝીરો આવે છે. તેઓ દર મહિને હજારો યુનિટ વીજળી વાપરે છે. તેમના ઘર અને ઓફિસમાં કેટલાય એસી લાગેલા છે. કેટલાકના તો ટોઈલેટમાં પણ એસી લાગેલા છે, છતાંય તેમને વીજળીનું બિલ ભરવાનું નથી આવતું, પરંતુ સામાન્ય માણસને હજારો રુપિયાનું બિલ ભરવું પડે છે. કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ દર સપ્તાહે રાજ્યની મુલાકાતે આવશે તથા ભ્રષ્ટાચાર, કૃષિ જેવા વિવિધ મુદ્દા અંગે જાહેર જનતા સાથે વિચારવિમર્શ કરશે.