સત્યેન્દ્ર જૈનની ધરપકડથી અકળાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે કેન્દ્રે ખોટા કેસોમાં તેમના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડનો એજન્સીઓને આદેશ આપ્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે જૈનની ધરપકડ થશે અને મે આ જાણકારી જાહેર કરી હતી. હવે જ સૂત્રોએ સિસોદિયાની ધરપકડની માહિતી આપી છે. કેન્દ્ર સરકાર જૈનની જેમ સિસોદિયા સામે પણ ખોટો આરોપો તૈયાર કરી રહી છે.
આ સિસોદિયાની ધરપકડ માટે બોગસ કેસો તૈયાર કરવા કેન્દ્ર સરકારે તેની પૂરી તાકાત કામે લગાડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે હું હાથ જોડીને વડાપ્રધાનને વિનંતી કરું છું કે અમને એક પછી એકને જેલમાં મોકલવાની જગ્યાએ આપના તમામ પ્રધાનો અને ધારાસભ્યોને એકસાથે જેલમાં મોકલી દો.
મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કસ્ટડીમાં રહેલા સત્યેન્દ્ર જૈનના આશરે અડધો ડઝન ખાતાની દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને ફાળવણી કરાઈ છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ પછી ભાજપ અને કોંગ્રેસે માગણી કરી રહ્યાં છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જૈનની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરવી જોઇએ. સત્યેન્દ્ર જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગો, વીજળી, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ, ફૂડ કંટ્રોલ જેવા શ્રેણીબદ્ધ ખાતા હતા.