“સતત બુલીઇંગ” કરતા હોવાના એક સત્તાવાર અહેવાલને પગલે પક્ષના કેટલાક સભ્યોએ તેમની આકરી ટીકા કરતા લેસ્ટર ઇસ્ટના પૂર્વ સાંસદ કીથ વાઝે પક્ષના સાથી કાર્યકરો અને અગ્રણીઓના વિરોધ બાદ આ સપ્તાહે યોજાયેલી લેબર કોન્ફરન્સમાં બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમની હાજરીના કારણે પક્ષના સભ્યોમાં હંગામો થયો હતો. ધ ગાર્ડિયનના હેવાલ મુજબ કીથ વાઝ બુધવાર તા. 29ના રોજ હિન્દુઓ અંગે લેબર કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ શેડો સેક્રેટરી પ્રીત ગિલ અને શેડો કોમ્યુનિટી સેક્રેટરી સ્ટીવ રીડ સાથે બોલવાના હતા.
કોન્ફરન્સમાં પાર્ટીના સ્થાનિક સભ્ય હેલન લેન્ટેલે જણાવ્યું હતું કે ‘’વાઝે પાર્ટી સાથે જોડાવું ન જોઈએ. તેને બુલી બતાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને પાર્ટીમાંથી બાકાત કરવા જોઈએ. તેમને પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવામાં, પાર્ટીમાં હોદ્દો સંભાળવા અથવા પાર્ટીના કાર્યક્રમોમાં બોલવા માટે સક્ષમ અથવા મંજૂરી ન હોવી જોઈએ. પાર્ટીએ તેને પાર્ટીની રાજનીતિથી દૂર રાખવો જોઈએ, કારણ કે તેમણે પાર્ટીની પ્રતિષ્ઠા અને સ્થિતિને નુકસાન પહોંચાડ્યું છે.’’
વાઝે બુલીઇંગના આરોપોને નકારી કાઢ્યા હતા અને હાઉસ ઓફ કોમન્સના નિયમો હેઠળ ઇન્ડીપેન્ડન્ટ એક્સપર્ટ પેનલ (IEP) દ્વારા કરાયેલી તપાસના સંબંધમાં કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું હતું કે “હું ક્યાંય પણ કોઈ ફ્રિન્જ મીટિંગમાં બોલતો નથી અને ઘણા વર્ષોથી આવું કરતો નથી.”
ગયા અઠવાડિયે તેના તાજેતરના અહેવાલમાં, IEP એ નોંધ્યું હતું કે સંસદની હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ તરીકેના કાર્યકાળની વર્તણૂક “સ્પષ્ટ અને ઔપચારિક ઠપકાને પાત્ર છે. ફરિયાદી પ્રત્યે પ્રતિવાદી (વાઝ)નું વર્તન પ્રતિકૂળ, ટકાઉ, હાનિકારક અને સંસદ સભ્ય માટે લાયક ન હતું. તેને તેના વર્તનથી શરમ આવવી જોઈએ. જો તેમણે હાઉસ ઓફ કોમન્સના ભૂતપૂર્વ સભ્ય તરીકેનો પાસ રાખ્યો હોત, તો અમે નક્કી કર્યું હોત કે તે પાસ દૂર કરવો યોગ્ય છે. અમે નક્કી કરીએ છીએ કે ભૂતપૂર્વ સભ્યનો પાસ રાખવાની પાત્રતા ક્યારેય પુન:સ્થાપિત થવી જોઈએ નહીં.” જુલાઇ 2007 અને ઓક્ટોબર 2008ની વચ્ચે હાઉસ ઓફ કોમન્સના પૂર્વ કારકુન જેની મેક્કુલો સામેના તેમના વર્તન બાબતે ફરિયાદ થઇ હતી. ભૂતપૂર્વ સાંસદ તરીકે, વાઝ સંસદીય પાસ માટે હકદાર છે. 2019માં તેમણે રાજીનામું આપ્યું ત્યાં સુધી તેઓ યુકેમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય મૂળના સંસદસભ્યોમાંના એક હતા.
વાઝની નજીકના એક સૂત્રએ બીબીસીને કહ્યું હતું કે “તેમણે ક્યારેય અહેવાલ જોયો નથી, ન તો તેને કોઈ સાક્ષીને પ્રશ્ન પૂછવાની અથવા જવાબ આપવાની તક મળી છે. લાંબી અને કમજોર પ્રક્રિયાના સીધા પરિણામ તરીકે, શ્રી વાઝને બેલ્સ પાલ્સીનું નિદાન થયું હતું જેના માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ હજુ સારવાર હેઠળ છે. આ બાબત હવે વકીલોના હાથમાં છે.”
હિન્દુઓ માટેની લેબર ઇવેન્ટ અંગે ટિપ્પણી માટે લેબર પાર્ટીનો સંપર્ક કરવામાં આવ્યો છે.