વેસ્ટ યોર્કશાયરમાં કીઘલી ખાતે 14 વર્ષીય કિશોરી પર તેના ઘરમાં દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ઘટના બની ત્યારે તેની માતા નોકરી પર ગયા હતા. બ્રેડફર્ડ ક્રાઉન કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન જ્યૂર્સને કહેવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં પુરુષોથી ભયભીત બનેલી કિશોરી તેના ઓંશિકા નીચે ચપ્પુ લઇને સુઇ જતી હતી.
આ કેસના દોષિતો નાઝીર ખાન, ઉસ્માન સુલ્તાન અને કામરાન હુસૈનને 10 સપ્ટેમ્બરે સજા જાહેર કરવામાં આવશે. જોકે, આ ત્રણેયે વર્ષ 2008 અને 2009ની વચ્ચે કિશોરી પર દુષ્કર્મ કર્યુ હોવાની વાતને નકારી હતી.
28 વર્ષીય નાઝીર ખાનનું કોઇ સ્થિર રહેઠાણ નથી, તે દુષ્કર્મના બે ગુનાઓમાં દોષિત ઠર્યો છે અને બળાત્કારના ગુનામાં તે 13 વર્ષની જેલ સજા ભોગવી જ રહ્યો છે. કિઘલીનો 28 વર્ષીય સુલ્તાન પર દુષ્કર્મના ત્રણ ગુના છે અને તે કસ્ટડીમાં રીમાન્ડ પર છે. જ્યારે 28 વર્ષીય કામરાન હુસૈન એક ગુનામાં દોષિત ઠર્યો છે, તેને જામીન મળ્યા હતા પરંતુ ન્યાયાધિશે જણાવ્યું હતું કે, કસ્ટોડિયલ સજા અનિવાર્ય છે. જ્યારે અન્ય ત્રણ લોકોને આરોપ મુક્ત કરવામાં આવ્યા છે.