વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત વાદ્યોની સાથે કપાટ ખોલવાની પ્રક્રિયા પૂરી થઈ હતી.
ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ મંગળવારની સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના કપાટ ખોલ્યા હતા. વૈદિક મંત્રોચ્ચારથી કેદારનાથ ધામ ગૂંજી ઉઠ્યું હતું. ભક્તોએ જય કેદાર, હર હર શંભો અને બમ બમ ભોલેના નાદ લગાવ્યા હતા.
બાબા કેદારનાથ ધામને લગભગ 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ પહેલાં કેદારબાબાની પંચમુખી મૂર્તિને શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો. તેમને ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો અને વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી.