ભુજની કેડીસીસી બેંકમાં બોગસ દસ્તાવેજો અને બોગસ મંડળીઓના આધારે કરોડો રૂપીયાની લોન લઇ સમગ્ર કૌભાંડ આચરાયા બાદ 2015માં કેડીસીસી બેંકના દીપકભાઇ કટારીયાએ ફરીયાદ કરી હતી. જે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી. તપાસમાં નલિયા કોર્ટે સ્ટે આપ્યો હતો જે સ્ટેને હટાવવા હાઇકોર્ટમાં અપીલ કરાતા તા.8-10-2018ના સ્ટે ઉઠી જતા સીઆઇડીની તપાસ આગળ ધપી હતી. ગુરુવારે રાત્રે સીઆઇડીની ટીમે અબડાસા અને માંડવી પંથકમાં ત્રાટકી આઠ મંડળીઓના 26 સભ્યોની અટકાયત કરી લીધી છે. આ તમામને ભુજના હેડકર્વાટર ખાતે લાવી સઘન પુછપરછ હાથ ધરાઇ હતી.
મોડી રાત્રે ત્રાટકેલી સીઆઇડી ક્રાઇમની 10 ટીમમાં કુલ 50થી 55 કર્મચારીઓ જોડાયા હતા. કચ્છ કેડીસીસી બેંકના કૌભાંડની તપાસ અંગે સીટના વડા અને તપાસનીસ ગૌતમ પરમારે ભુજમાં પ્રેસકોન્ફરન્સ યોજતા કહ્યું હતું કે, 2015માં થયેલી ફરીયાદ બાદ કોર્ટે સ્ટે આપ્યો હતો જે સ્ટે 2018માં હટી જતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો હતો અને ગુરુવારે રાત્રે 10 ટીમોએ માંડવી અને અબડાસા પંથકમાં ત્રાટકી સબંધીતોની અટકાયત કરી હતી. કૌભાંડના મુખ્ય સુત્રધાર અને જયંતી ભાનુશાલી કેસના આરોપી એવા જયંતી ઠક્કર હાલ જેલમાં છે અને તેમની ધરપકડ અગાઉ કરી લેવાયા બાદ વધુ આરોપીઓને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું અને જુદી જુદી ટીમોએ રાત્રે ત્રાટકી અટકાયત કરાઇ છે.
કોઇપણ લોન કૌભાંડ આચરાતું હોય તેમાં બેંકના કર્મચારીઓની સંડોવણી બહાર આવતી હોય છે. તો આ કિસ્સામાં પણ માંડવી અને કોઠારા બેંકના મેનેજરની સીઆઇડીની ટુકડીએ અટકાયત કરી લીધી છે. હજુ કેટલા કર્મચારીઓની સંડોવણી છે તે અંગે તપાસ કરાયા બાદ નવા કડાકા ભડાકા થાય તેવી શક્યતા છે. એક સામટે નોંધાયેલી આઠ એફઆઇઆરમાં કેટલા રૂપીયાની લોન લેવાઇ અને કેટલા રૂપીયા વસુલવાના થાય છે તે પણ લખાવાયું છે.
સાભરાઇ સેવા સહકારી મંડળના પ્રમુખ અને સાગરીતોએ ષડયંત્ર રચીને લોન લેતા બેંકને 1,07,92,423 વસુલવાના થાય છે. જયંતીલાલ જેઠાલાલ ઠક્કરે તમામ મંડળીઓના મુખ્ય વહીવટદારે આરોપીઓ સાથે મળીને 1,24,97,000ની લોન મેળવતા વ્યાજ પેટે 2,92,32,653 મળી કુલ 4,17,29,653 તો ચીયાસર સેવા સહકારી મંડળીએ 42,36,991 જેના વ્યાજ પેટે 1,45,83,432 મળી કુલ 1,88,20,423 રૂપીયા વસુલવાના હોવાનું લખાવાયું છે.
ભુમીકા સેવા સહકારી મંડળી દ્વારા 1,60,02,500 રૂપીયા લોન અને તેના વ્યાજ 3,15,30,151 મળી કુલ 4,75,32,651 રૂપીયા નહીં ચુકવી છેતરપિંડી કરી છે. ભોજાય સેવા સહકારી મંડળીએ 21,39,600ની લોન લઇ વ્યાજ પેટે 50,80,872 મળી કુલ 72,20,472 ચુકવ્યા નથી. તો આઇશ્રી સોનલ સેવા સહકારી મંડળીએ 72,87,736ની લોન તેના વ્યાજ પેટે 2,03,77,177 મળી કુલ 2,76,64,913 તો કોકલીયા સેવા સહકારી મંડળીએ 56,65,756ની લોન લઇ તેના વ્યાજના 1,51,60,242 મળી કુલ 2,08,25,998 ચુકવ્યા નથી. દેઢીયા સેવા સહકારી મંડળીએ 23,16,706ની લોન લઇ તેના વ્યાજના 99,95,824 મળી કુલ 1,23,12,530ન ચુકવતા ફરીયાદ નોંધાઇ હતી.