લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મોરચો રચવાના હેતુ સાથે તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક કરી હતી. કેસીઆરે એનસીપીના વડા શરદ પવાર સાથે બેઠક કરતાં પહેલા ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપનું નામ લીધા વગર જણાવ્યું હતું કે અમારું હિન્દુત્વ બદલાની ભાવના પ્રેરિત નથી.
ઠાકરેએ જણાવ્યું હતું કે જુઠ્ઠાણા અને બીજાની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસો સારા નથી. હાલમાં આવું થઈ રહ્યું છે. અમારું હિન્દુત્વ બદલાની ભાવના આધારિત નથી. કેટલાંક લોકો દેશના ભોગે પણ માત્ર પોતાના એજન્ડા માટે કામ કરે છે. આપણે આપણા દેશને યોગ્ય માર્ગ પર લાવવો પડશે. કોણ પીએમ બનશે તેની પછીથી ચર્ચા થશે. અમે આજથી ઘણા રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરીશું.
ઠાકરેએ જણાવ્યું હતું કે એક પહેલ કરવાની જરૂર હતી અને તેથી ભાવિ વ્યૂહરચના ઘડવા માટે આ બેઠક યોજાઈ હતી. આ પ્રયાસોને સમય લાગશે અને સખત પ્રયાસો કરવા પડશે.આ બેઠકમાં કેસીઆરની સાથે તેમના પુત્રી કવિથા કાલ્વાકુંતલા સહિત તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના નેતાઓ હતા. ઉદ્ધવ ઠાકરે અને કેસીઆરની બેઠકમાં શિવસેનાના નેતા સંજય રાઉત અને અરવિંદ સાવંત તથા એક્ટર પ્રકાશ રાજ પણ હાજર રહ્યાં હતા.મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને મુખ્યપ્રધાન વચ્ચેની બેઠકમાં સિંચાઈ પ્રોજેક્ટ્સ સહિતના સંખ્યાબંધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. જોકે નવા રાજકીય સમીકરણના સંદર્ભમાં આ બેઠકનું વિશેષ રાજકીય મહત્ત્વ છે, કારણ કે કેસીઆર ભાજપના ટીકાકાર છે અને ભાજપ વિરોધી મોરચો બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક ફાળદાયી રહી હતી અને બંને નેતાઓ રાષ્ટ્રીય મહત્ત્વના સંખ્યાબંધ મુદ્દા અંગે સંમત થયા હતા.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરેએ જણાવ્યું હતું કે સમાન વિચારસરણી ધરાવતા વિરોધ પક્ષના નેતાઓ ભાવિ પગલાંનો નિર્ણય કરવા માટે આગામી દિવસોમાં હૈદરાબાદ કે બીજા કોઇ શહેરમાં બેઠક કરી શકે છે. બે નેતાઓ મળે છે ત્યારે રાજકારણની હંમેશા ચર્ચા તાય છે. જે રીતે દેશનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં પરિવર્તનની જરૂર છે. તેલંગણાના સીએમએ જણાવ્યું હતું કે તેઓ અને મહારાષ્ટ્રના સીએમ બીજા પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ સાથે વિચારવિમર્શ કરશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કેન્દ્ર સરકારે તેની નીતિમાં ફેરફાર કરવો જોઇએ, જો ફેરફાર નહીં કરે તો ભોગવવું પડશે. દેશમાં આવી ઘણી બાબતો જોવા મળી રહી છે.
ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક બાદ તેલંગણાના સીએમ મુંબઈમાં શરદ પવારને પણ તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠકમાં એનસીપીના સાંસદ સુપ્રીયા સુલે પણ હાજર રહ્યાં હતા. શરદ પવારે જણાવ્યું હતું કે દેશ સામે ઘણી સમસ્યા છે અ અમે તેના ઉકેલ શું હોઇ શકે તેની ચર્ચા કરી હતી. તેલંગણાએ ખેડૂતનો ઉદ્ધાર માટે ઘણા પ્રયાસો કર્યા છે અને દેશને એક રસ્તો દર્શાવ્યો છે. ગરીબી અને બેરોજગારી એવા બે મુદ્દા છે કે તેના પર ધ્યાન આપવાની અને ચર્ચા કરવાની જરૂર છે.