ભારતીય મૂળના પિતા-પુત્રની જોડી સાઉથ ઈંગ્લેન્ડમાં હર્ટસ્મીયર બરો કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવી છે.
ગત તા. 4 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં પ્રભાકર કાઝા લેબર અને કોઓપરેટિવ ઉમેદવાર તરીકે બરહમવુડ કેનિલવર્થ વોર્ડમાંથી ચૂંટાયા હતા જ્યારે તેમના પુત્ર આદિત્ય બરહમવુડ હિલસાઇડ બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે કહ્યું હતું કે લોકોના ઘરે ઘરે જઇને પ્રચાર કરવો એ તેમની ચૂંટણીની સફળતાની ચાવી છે.
યુકેમાં ઘણા વર્ષો સુધી બેંકર તરીકે કામ કરનાર પ્રભાકર કાઝા 2019થી એલ્સ્ટ્રી અને બરહમવુડ ટાઉન કાઉન્સિલર છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટ્રાફિક જામ ઘટાડવા અને રોજગાર વધારવા માટે વધુ રોકાણ લાવવાનો ઇરાદો ધરાવે છે.
તેમના પુત્ર આદિત્યએ વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે, તેમણે ગ્રીન બેલ્ટની સુરક્ષા, ગુનાખોરી ઘટાડવા અને ફ્લાય-ટીપિંગ ઘટાડવાનું વચન આપ્યું હતું. આદિત્ય કાઝાએ છેલ્લા 24 વર્ષથી ટોરીઝ દ્વારા જીતાઇ રહેલા વોર્ડમાં ગાબડુ પાડી વિજય મેળવ્યો હતો.
1999 પછી, લિબ ડેમની ભાગીદારી સાથે, હર્ટસ્મીયર બરોમાં પ્રથમ વખત લેબર સત્તા પર આવ્યું છે. તેમની સાથે અન્ય ભારતીય મૂળના ઉમેદવારો પણ કાઉન્સિલમાં ચૂંટાયા છે. હર્ટફર્ડશાયરમાં બરોની વસ્તીના 4.7 ટકા સાઉથ એશિયનો છે.
કન્ઝર્વેટીવ ઉમેદવારો મીનલ સચદેવ અને અભિષેક સચદેવ અનુક્રમે બેન્ટલી હીથ અને રોયડ્સ અને પોટર્સ બાર પાર્કફીલ્ડ વોર્ડમાંથી જીત્યા છે. જ્યારે લિબરલ ડેમોક્રેટના શૈલેન શાહ બુશી પાર્કમાંથી ચૂંટાયા છે.