બિગબોસમાં મજબૂતી સાથે પ્રતિસ્પર્ધા પૂરી પાડી રહેલી ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે તાજેતરમાં પોતાની જિંદગીને કેટલાક વણઉકલ્યા રહસ્યો ઉપરથી પડદો ઉપાડયો હતો. બિગબોસની આ ગેમ દરમિયાન દરેક કન્ટેસ્ટન્ટને એક ઈમ્યુનિટી સ્ટોન આપવામાં આવતો હતો. આ સ્ટોન મેળવવા માટે દરેકે પોતાની જિંદગીનું એક ડાર્ક સિક્રેટ કહેવાનું હતું. આ દરમિયાન કવિતા કૌશિક ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ હતી. પોતાના ટાસ્ક દરમિયાન તેણે બાળપણનો એક ઘૃણાસ્પદ કિસ્સો કહ્યો હતો.
કવિતા કૌશિકે જણાવ્યું કે, હું ૧૧ વર્ષની હતી ત્યારે મારું મેથ્સ ખૂબ જ કાચું હતું. તેના કારણે મારા માટે એક્સ્ટ્રા ટયૂશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વખતે મારા ઘરે ૬૫ વર્ષથી વધુની ઉંમર ધરાવનાર એક મેથ્સ ટીચર ભણાવવા માટે આવતા હતા. હું તેમની સાથે સારી રીતે ભણતી હતી.
એક દિવસ તેઓ આવ્યા ત્યારે મારા માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા. આ તકનો લાભ લઈને તેમણે મારી સાથે અશ્લીલ વાતો કરવાની શરૂ કરી અને મારી સાથે અશ્લીલ ચેડાં પણ કર્યાં હતાં. મેં મારા માતા-પિતાને આ બધું કહી દેવાની ધમકી આપી તો તેમણે કહ્યું કે, તારી વાત કોઈ નહીં માને. તેમના ગયા પછી મેં મારી મમ્મીને આ વાત કરી તો તેમણે મારો વિશ્વાસ ન કર્યો. તેમને એમ હતું કે, મારે મેથ્સ નથી ભણવું તેના માટે હું આવા બહાના કરું છું.