કેટરિના કૈફની નવી ફિલ્મ ‘ફોન ભૂત’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફરહાન અખ્તર અને રિતેશ સીધવાની દ્વારા નિર્મિત આ ફિલ્મનું ટ્રેલર રજૂ થતાં જ દર્શકોમાં ફિલ્મને જોવાની ઉત્સુકતા વધી છે. ફિલ્મમાં કેટરિના કૈફ સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય રોલમાં છે અને તેના દિગ્દર્શક ગુરમિત સિંઘ છે. કેટરિના આ ફિલ્મમાં ભૂતનો રોલ પ્લે કરી રહી છે અને આ રોલ મેળવવા માટે તે ફરહાનના પાછળ પડી ગઈ હોવાનું ફરહાને ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું. ફરહાને હસતાં-હસતાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં ભૂતનો રોલ પ્લે કરવા માટે કેટરિના મારી પાછળ પડી ગઈ હતી. અમે કાસ્ટિંગ કરતી વખતે એ વિચારતા હતા કે, કેટરિના જેવી બ્યુટીફૂલ એક્ટ્રેસને ભૂતનો રોલ કેવી રીતે આપી શકાય? પરંતુ આખરે અમે વિચાર્યું કે, આ પાત્રમાં કેટરિના એકદમ ફિટ બેસશે અને તેને ભૂતની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી.
આ અંગે કેટરિનાએ કહ્યું હતું કે, હું આ પાત્ર અંગે ખૂબ જ ઉત્સાહિત હતી અને મારે કોઈપણ ભોગે એકવાર કોઈ ફિલ્મમાં ભૂતનું પાત્ર ભજવવું હતું. જ્યારે મને ખબર પડી કે, ફરહાન એક હોરર કોમેડી ફિલ્મ બનવા જઈ રહ્યો છે, ત્યારે મેં ફરહાનને ભૂતનો રોલ મારે પ્લે કરવો છે તેમ જણાવ્યું હતું. વાસ્તિવક જીવનમાં મારો ભૂત સાથે સામનો કોઈ દિવસ નથી થયો અને હું હોરર ફિલ્મો પણ નથી જોતી, પરંતુ મને ભૂતથી ખૂબ જ બીક લાગે છે. જો કોઈ દિવસ મારી સામે ભૂત આવશે તો હું ત્યાં ને ત્યાં મરી જઈશ.